વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 560 કરોડ રાખવામાં આવ્યો છે. જેની સામે તારીખ 1 એપ્રિલ થી તારીખ 23 મે સુધીમાં કોર્પોરેશનને 57.85 કરોડની વેરાની આવક થઈ ચૂકી છે. એમાં પણ કોર્પોરેશને એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ગઈ તારીખ 6 મેથી ચાલુ કરી છે, જે તારીખ પાંચ જૂન સુધી ચાલુ રહેશે. જેને હાલ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેમ કે પ્રથમ 10 દિવસમાં જ રિબેટ યોજના હેઠળ કોર્પોરેશનને 15.76 કરોડની આવક થઈ હતી. એમાં પણ ઓનલાઇન વેરો ભરવામાં એક ટકો વધુ વળતર મળતું હોવાથી લોકો ઓનલાઈન વેરો ભરવા પ્રોત્સાહિત થયા છે.
તારીખ 1 એપ્રિલ થી તારીખ 23 મે સુધીમાં કોર્પોરેશનને 57.85 કરોડ આવક થઈ છે તેમાં 43 કરોડ મિલકત વેરા પેટે મળ્યા છે. 8.78 કરોડ પ્રોફેશનલ ટેક્સની આવક થઈ છે. જ્યારે 5.77 કરોડની આવક વ્હીકલ ટેક્સની મળી છે. 25.66 લાખ વોટર ટેક્સના મળ્યા છે. કોર્પોરેશનના કુલ 8.20 લાખ ટેક્સના બિલો આપવામાં આવે છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2022-23 માં કોર્પોરેશનને ટેક્સની 520 કરોડની આવક થવાની જે ધારણા હતી તેની સામે 600 કરોડ આવક થઈ હતી. ગઈકાલે તારીખ 23 ના રોજ અઢી કરોડની આવક થઈ હતી. એમાં 2.31 કરોડ મિલકત વેરાના હતા.