શહેરમાં વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરના સરકારી, ખાનગી હોસ્પિટલોમાં શરદી, ખાંસી તાવ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે કોરોનાના કેસો ઘટ્યા બાદ લોકો માસ્ક પહેરવાનું ટાળતા હોઇ વાયરલ ઇન્ફેક્શન ઝડપથી એકબીજાને સ્પર્શતા હોય છે. બીજું કારણ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે બેવડી ઋતુનો અનુભવ જેમાં મોડી રાત્રે અને સવારે ઠંડીનું વાતાવરણ જ્યારે બપોરે ગરમી લાગતી હોવાના કારણે પણ શરદી તાવના લક્ષણો જોવા મળે છે. અન્ય કારણોમાં બહારની ખાણીપીણી પણ કંઈક અંશે જવાબદાર ઠેરવી શકાય. જેના કારણે હાલ શહેરમાં ચેપીરોગના દવાખાના, સરકારી તથા ખાનગી દવાખાનાઓ વાયરલ ઇન્ફેકશનના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે, ત્યારે શહેરના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં પંદરેક બેડ સિવાય તમામ ખાટલાઓ દર્દીઓથી ભરેલા જોવા મળી રહ્યાં છે. આ પરિસ્થિતિ ક્યાંકને ક્યાંક કોરોનાને આડકતરુ નિમંત્રણ આપે છે જેનાથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.
આ અંગે મેડિકલ ઓફિસર હિતેષ ચાંપાનેરિયાએ જણાવ્યું હતું કે, વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે લોકોએ માસ્ક પહેરવાનો આગ્રહ રાખે સાથે જ ઘરનું શુધ્ધ પૌષ્ટિક આહાર લેવાનું રાખે, સાથે જ હૂંફાળા ગરમ પાણીના કોગળા તથા હૂંફાળું પાણી પીવે, બહારના જંકફૂડથી બચે અને ઠંડા પીણાનો ઉપયોગ ટાળે તો આનાથી બચી શકાય છે.