- ચોરી પકડાયા બાદ પણ અધિકારીઓ પોલીસ ફરિયાદ કરવાનું કેમ ટાળી રહ્યા છે..?
- ઢોર પાર્ટી અને વ્હીકલ પુલના અધિકારીઓ એકબીજા પર 'ખો' કરવામાં નિપુણ..!!
પાલિકાના વ્હીકલ પુલ દ્વારા ઢોર પાર્ટીના વાહનમાંથી ડીઝલ ચોરીના વાયરલ વીડિયોના અહેવાલ ની અસર થઈ છે. મેઈલ વડોદરા દ્વારા પ્રસારિત થયેલા અહેવાલ બાદ બાલાજી સિક્યોરિટી નામના કોન્ટ્રાકટરને રૂ. ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે ચોરી ઝડપાયા બાદ પાલિકા પોલીસ કેસ કરવાનું કેમ ટાળી રહ્યું છે એ યક્ષ પ્રશ્ન છે.
વડોદરા મહાનગર પાલિકાના વાહનોમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી થતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠે છે. આ દરમ્યાન વ્હીકલપુલ દ્વારા ઢોર પાર્ટીને ફાળવવામાં આવેલા વાહનમાંથી ડીઝલ ચોરીનો વીડિયો વાયરલ થયો હતો. મેઈલ વડોદરા દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત થતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં આવ્યા હતા. તેમણે કોન્ટકટર બાલાજી સિક્યોરિટીને રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ડીઝલ ચોરી કરતા કર્મચારીને કાઢી મુક્વામાં આવ્યો હતો. પાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરીના બનાવો રોકવા પોલીસ ફરિયાદ થવી જરૂરી છે. જો કે આ અંગે અમે વહીકલ પુલ અને ઢોર પાર્ટી ના અધિકારીઓનો સંપર્ક કરતા બંને વિભાગના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપી એકબીજાને 'ખો' કરી હતી.
ઢોર પાર્ટીના વાહનો ક્યાં ફરે છે અને કેટલું ડીઝલ વપરાય છે તે માટે લોગ બુક રાખવાની હોય છે. પરતું અમને મળેલી આધારભૂત માહિતી મુજબ આવી કોઈ લોગ બુક મેન્ટેન થતી નથી. જો ડીઝલના વપરાશનો હિસાબ રાખવામાં ના આવે તો ચોરી થાય એ સ્વાભાવિક છે. આથી વિશેષ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પણ પાલિકાના અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવાનું કેમ ટાળે છે ? પાલિકાના અધિકારીઓ વચ્ચે સમનવયનો અભાવ આવી ગેરરીતિઓને જનમ આપે છે. કમિશનર જયારે તુરંત એક્શનમાં આવતા હોય તો બંને વિભાગના અધિકારીઓએ પણ સતર્ક રહેવું જરૂરી છે.