વડોદરાથી અમદાવાદ જતી ટ્રેનમાં વૃદ્ધાને બેભાન કરી ગઠિયો સોના અને ચાંદીના દાગીના લૂંટી ફરાર

૧૯મીએ વૃદ્ધા પુત્રીના ઘરે જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં

MailVadodara.com - In-the-train-from-Vadodara-to-Ahmedabad-the-old-man-was-knocked-unconscious-and-robbed-of-gold-and-silver-jewelry

- બે દિવસ બાદ ભાનમાં આવતા વૃદ્ધા સુરતની સ્વીમેર હોસ્પિટલમાં દાખલ હતા


વડોદરાના બકરાવાડી વિસ્તારમાં રહેતી  વૃધ્ધા ટ્રેનમાં અમદાવાદ જવા માટે નીકળી ત્યારે કોઇ ગઠિયાએ વૃધ્ધાને બેભાન કરી શરીર પરથી દાગીના તેમજ રોકડ પડાવી લીધી હતી. વૃધ્ધા અમદાવાદના બદલે સુરત પહોંચી ગયાના બે દિવસ બાદ ભાનમાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા આંબેડકર ચોકમાં રહેતા ૮૦ વર્ષીય રાજીબેન રણછોડભાઇ રોહિત ગત તા.૧૯ના રોજ સવારે અમદાવાદ પુત્રીના ઘરે જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં. જો કે ટ્રેન ઉપડી જતાં તેમણે બીજી ટ્રેનમાં જવાનું હોવાથી અજાણી વ્યક્તિના ફોનથી પુત્રીને ફોન કરી મારે અમદાવાદ પહોંચતા મોડું થશે. હું કાલુપુર પહોંચીને ફોન કરું ત્યારે ભાણીયાને લેવા માટે મોકલજે તેમ કહ્યું હતું. 


જાેકે થોડા સમય બાદ મેમું ટ્રેન આવતા તેમાં રાજીબેન બેસી ગયા  હતા અને બાદમાં શું થયું તેની તેમને ખબર ન હતી પરંતુ બે દિવસ બાદ ભાનમાં આવ્યા ત્યારે તેઓ સુરતની સ્વીમેર હોસ્પિટલમાં દાખલ હતાં. ભાનમાં આવ્યા બાદ તેમને ખબર પડી કે પગમાં પહેરેલ ચાંદીના લંગર, કાનની સોનાની શેર સાથેની બુટ્ટી, ચાંદીની કંઠી અને રોકડ મળી કુલ રૂપિયા ૨૪ હજારની મત્તા ગાયબ હતી. રાજીબેન રોહિત જણાવ્યું હતું કે, ટ્રેનમાં બેસી ગયા બાદ પોતાને શું થયું તેની પોતાને જાણ ન હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share :

Leave a Comments