- ગરીબોના આવાસો માટે કોન્ટ્રકટરને આઠ કરોડ વધુ આપવા શાશકો હરખપદુંડા થયા..!
વડોદરા મહાનગર પાલિકામાં આજે મળેલી સ્થાયી સમીતીની બેઠકમાં કરોડો રૂપિયાના કામો એક ઝાટકે મંજૂર કરવામાં આવ્યા હતા. આ તમામ ૧૮ કામોમાં ગરીબો માટે બનાવવાના આવાસોમાં રૂપિયા ૮ કરોડ કોન્ટ્રાક્ટરને વધુ ચૂકવવાના કામનો પણ સમાવેશ થાય છે.
વડોદરા મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિની સમય મર્યાદામાં હવે માત્ર બે માસ જેટલો સમય બાકી છે, અને ત્યારબાદ નવા સભ્યોની વરણી થશે. આ દરમિયાન છેલ્લી બે સ્થાયી સમીતીની બેઠકોમાં કરોડો રૂપિયાના કામો ઉપરાછાપરી મંજૂર કરવામાં આવી રહ્યા છે. આજે મળેલી સ્થાયી સમીતીની બેઠકમાં પાણી પુરવઠા, વરસાદી અને ગટરના કામો, પાણી પુરવઠાના કામો સહિત ૧૮ કામો મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા. આ કામો પૈકીના મોટા ભાગના કામો સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવે મંજુર કરવાની દરખાસ્ત આવી હતી. જાેકે, સ્થાયી સમીતીના સભ્યોએ માત્ર એક કલાકની ચર્ચામાં કરોડો રૂપિયાના કામો એક ઝાટકે મંજૂર કરી દીધા હતા. આ કામોમાં ભાયલીમાં ગરીબો માટે બનનાર આવાસો કોન્ટ્રાક્ટરને સરકારે નિયત કરેલા ભાવ કરતાં ૮ કરોડ વધુ ચૂકવવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, શાસકોએ મલાઇદાર કામોને એક ઝાટકે મંજૂરી આપી દીધી હતી.