કાર ભાડે ફેરવવાના નામે ઠગે વેચી દીધેલી રૂા. 5.53 કરોડની 84 કાર ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી

9 દિવસના રિમાન્ડ પૂરા, વધુ 35 કાર શોધવા હરસોરાને વધુ 2 દિવસના રિમાન્ડ

MailVadodara.com - In-the-name-of-changing-car-rental-thugs-sold-Crime-branch-seized-84-cars-worth-Rs-5-53-crore

- હરસોરાએ 7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી, હજુ 35 કાર શોધવાની બાકી


કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચે ભાડે ફેરવવા માટે લીધેલી બારોબાર વેચી દેવાના ગુનામાં તાજેતરમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં મળેલી જાણકારીના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કારો લઇને ફરાર થઈ ગયેલા ગઠિયાએ ગીરવે મુકેલી 119 પૈકી રૂપિયા 5.53 કરોડની 84 કાર ગુજરાત અને મહારાષ્ટમાંથી 9 દિવસમાં શોધીને જપ્ત કરી છે. આ તમામ કારને હાલ જૂની ગઢી ખાતેની ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે મુકવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે, વડોદરાના મનિષ અશોકભાઈ હરસોરા અને સુરતના દિપક પ્રવિણભાઈ રૈયાણીની વડોદરા પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. શહેરના સોમા તળાવ પાસે રત્નદીપ ગ્રીનમાં રહેતા મનીષ અશોકભાઇ હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવાની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. મનીષ હરસોરાની ગયા મહિનાના અંતે ડીસીબીએ ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પછી પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હરસોરાએ રૂપિયા 7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી. જો કે હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી છે.


ડીસીપીના જણાવ્યા મુજબ થોડાં મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવી પાછળથી બંધ કરતાં કારસ્તાન સપાટી પર આવ્યું હતું. બંને આરોપી પૈકી મનિષ લોભામણી લોભામણી ઓફરો આપીને કારના માલિકો પાસેથી કાર ભાડે  ફેરવવાના નામે લેતા હતા અને સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષે મોકલેલી કારનો નિકાલ કરી ભાગ પાડી લેતાં હતા.

વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે, બંનેએ મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલેમાં 8, મુંબઇમાં 6, મહેસાણામાં પણ કાર વેચી હતી અને બાકીની કારો સુરતમાં વેચી હતી. બંને કાર અડધી કિંમતે ગીરોથી વેચતા હતા. તેમની પૂછપરછ દરમિયાન ભાડે મેળવીને વેચી દેવાયેલી કે ગીરવે મુકાયેલી 84 ગાડીઓની જાણકારી સામે આવતા પોલીસે વિવિધ જગ્યાએ ટીમો રવાના કરીને આ ગાડીઓ કબ્જે કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.

બંને ગઠિયાઓ પાસેથી ખરીદેલી કાર 3 જણાંએ બોગસ દસ્તાવેજથી પોતાના નામે કરાવી હતી. જે સંબંધે ડીસીબીએ પાણીગેટ અને મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી, ભરુચ-સી ડીવીઝનમાં એક ફરિયાદ નોંધાઇ હતી.

Share :

Leave a Comments