- સમા પોલીસ સ્ટેશનમાં બંને જૂથે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના સમા કેનાલ રોડ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં બંને જૂથે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના સમા કેનાલ રોડ પર આવેલી સાલમનગર સોસાયટીમાં રહેતા ગલાલ કરમશી રબારી (ઉં.52)એ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે, કે 23 માર્ચના રોજ સાંજના સમયે હું મારા ઘરે હાજર હતો. રાત્રે 9:30 વાગે મારા ભત્રીજા ભરતભાઈ ધુળાભાઈ રબારીનો મારા પર ફોન આવ્યો હતો અને તેઓએ મને જણાવ્યું હતું કે, ગલાભાઈ તમે તાત્કાલિક નાયરા પેટ્રોલ પમ્પની સામે આવો. અહીં ભાવેશ રબારી મારી સાથે ઝઘડો કરે છે. જેથી હું મારા દીકરા સાથે બાઈક લઈને ત્યાં પહોંચી ગયો હતો. તે વખતે મારો ભત્રીજો ભરત અને ભાવેશ રબારી ત્યાં હાજર હતા. તેઓ મારી સાથે વાતચીત કરતા હતા. તે સમયે જયેશ રબારી અને જગદીશ રબારી પણ બાઈક લઈને ત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ મને કહ્યું હતું કે, તું અહીં કેમ આવ્યો છે, તેમ કહી મને ગાળો બોલવા લાગ્યા હતા જેથી મેં ગાળો બોલવાની ના પાડતા ભાવેશે તેની પાસેની લાકડીથી મને માર માર્યો હતો. તે વખતે મારો દીકરો અને મારો ભત્રીજો ભરત ત્યાંથી જતા રહ્યા હતા.
ત્યારબાદ ભાવેશ પાસેથી લાકડી લઈને જયેશે પણ મને ધમકાવ્યો હતો અને કહ્યું હતું કે, તે ભરતને કેમ ભગાડી દીધો છે. એમ કહીને લાકડી વડે મને માર માર્યો હતો. આ ઊપરાંત જગદીશે પણ મને માર માર્યો હતો. તે વખતે કેટલાક રાહદારીઓ ગાડી લઈને આવતા હતા જેથી ત્રણેય ત્યાંથી ભાગી ગયા છે. હું ઇજાગ્રસ્ત થયો હોવાથી મને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
બીજી તરફ વડોદરાના સમા કેનાલ રોડ પર આવેલી આવેલી ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા જયેશભાઈ કરમશીભાઈ રબારી (ઉ.28)એ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 23 માર્ચના રોજ સાંજના સમયે હું મારા ઘરે હાજર હતો. તે વખતે રાત્રે 9:30 વાગ્યે મારા ભાઈ ભાવેશનો મારા પર ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, તમે નાયરા પેટ્રોલ પંપની સામે આવી જાઓ. અહીં ભરત રબારી શકુન્તલાબેન સાથેના ઝઘડામાં સમાધાન કરવાનું કહીને મને અહીં બોલાવી મારી સાથે ઝઘડો કરે છે, તેમ કહેતા હું મારી બાઇક લઈને ત્યાં પહોંચી ગયો હતો. તે વખતે મારો ભાઈ ભાવેશ, ભરત રબારી, ગલાલભાઈ અને તેમનો દીકરો સાગર હતા. તે વખતે સાગર અને તેના પિતા ગલાલભાઈ મારા ભાઈ સાથે ઝપાઝપી કરતા હતા અને ગાળો બોલતા હતા, જેથી મેં તેઓને ગાળો બોલવાની ના મળતા તેઓ મારી સાથે પણ ઝપઝપી કરીને મને માર માર્યો હતો.
આ દરમિયાન મારો ભાઈ ભાવેશ ત્યાંથી જતો રહ્યો હતો. આ ત્રણેએ ભેગા મળી મને માર માર્યો હતો. તે વખતે કેટલાક રાહદારીઓ પસાર થતા હોવાથી તેઓ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. જો કે, થોડીવાર પછી સાગર રબારી મારા ઘરે આવી મારા મોટાભાઈ જગદીશના ટાંટિયા તોડી નાખીશું તેવી ધમકી આપીને જતો રહ્યો હતો.