વડોદરામાં જન્માષ્ટમી પર્વને લઈ વહેલી સવારથી જ નિજ મંદિરોમાં ભારે ભીડ, ઇસ્કોન મંદિર પરિસર અને ગેટ બહાર લાંબી કતારો જોવા મળી

ઇસ્કોન મંદિરમાં દર્શનાર્થે આવેલ ભાવિ ભક્તો હરે ક્રિષ્ના... હરે રામા... ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા

MailVadodara.com - In-Vadodara-there-is-a-huge-crowd-in-the-temples-since-early-morning-on-the-occasion-of-Janmashtami-festival

- ભગવાનનો શણગાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો, લાખો ભવિભક્તો દર્શનનો લ્હાવો લેશે

- આવતીકાલે વિશેષ નંદ પારણોત્સવની ઊજવણી કરાશે, પ્રસાદ અને મહાપ્રસાદનું પણ આયોજન


સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વને લઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના જુદા-જુદા મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શહેરના ઇસ્કોન ખાતે આવેલ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંદિર પરિસર અને ગેટ બહાર લાંબી-લાંબી કતારો ભાવિ ભક્તોની જોવા મળી રહી છે. આ સાથે જ દર્શનાર્થે આવેલ ભાવિ ભક્તો હરે ક્રિષ્ના... હરે રામા... ના નાદ સાથે ગૂંજી ઉઠ્યા હતા. કેટલાક ભાવિ ભક્તો દ્વારા મંદિર પરિસરમાં ભજન-કીર્તન કરીને આજના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.


પરબ્રહ્મ અને જીવ માત્રના, સમગ્ર સૃષ્ટિના પાલનહાર, કલ્યાણક એવા અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણના આજે 5251 મા જન્મદિવસની સમગ્ર ભારતના તેમજ વિદેશોના ઇસ્કોન મંદિર સહિત વિવિધ કૃષ્ણ મંદિરોમાં, શ્રધ્ધાળુઓના ઘરોમાં ભવ્ય જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ તથા હર્ષોલ્લાસ સાથે કરવામાં આવનાર છે ત્યારે શહેરના ગોત્રી હરિનગર સ્થિત આવેલ ઇસ્કોન મંદિર ખાતે પણ ભગવાન જગન્નાથજીના જન્મોત્સવ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઇસ્કોન મંદિરમાં દર્શન પૂજન માટે ઉમટ્યુ હતું.


જન્માષ્ટમીના પર્વને લઈ ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, આજના જન્માષ્ટમીના પર્વને સમગ્ર વિશ્વમાં ઇસ્કોન દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. ઇસ્કોન જ નહીં પરંતુ, અમારી સંસ્કૃતિ ભારત દેશના જેટલા લોકો છે તે દરેક ઘર, રાજ્યમાં મનાવવામાં આવી રહ્યો છે. આજના વિશેષ દીને સૌને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ. ઇસ્કોન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સાંજના દર્શન 4 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યા સુધી ચાલશે. લાખો ભાવિ ભક્તો દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે, દરેક ભાવિ ભક્ત માટે પેંડા, કેળા, પંજરી, મીશ્રી ઇત્યાદિ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે નંદ પારણોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાલે સાંજે 5 વાગ્યા બાદ જેટલા પણ ભાવિ ભક્તો આવશે તેઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ હરિ ભક્તોને નિવેદન છે કે દર્શનનો લ્હાવો લે અને આ પર્વને ઉજવે તેવી પ્રભુને પ્રાર્થના.


શહેરના ઇસ્કોન મંદિર ખાતે હાલમાં ભાવિભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને લાખો હરિભક્તો આજના વિશેષ દિને ભગવાન કૃષ્ણના દર્શનનો લ્હાવો લઈ ધન્યતાની અનુભૂતિ કરશે. હાલમાં મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને દર્શન બાદ કેળા, પેડાંનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ પંજરીનો પ્રસાદ ભવિભક્તોને આપવામાં આવશે. આ સાથે જ આવતીકાલે વિશેષ નંદ પારણોત્સવની ઊજવણી કરવામાં આવશે.


વર્ષોથી ઇસ્કોન મંદિરને દેશ-વિદેશમાંથી આવતા શણગાર દ્વારા સજાવવામાં આવે છે. લાખો રૂપિયાના ફૂલ અને શણગાર ઇસ્કોન મંદિર ખાતે વિદેશથી આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ મંદિર પરિસરમાં વિવિધ ડેકોરેશન અને ભગવાનનો શણગાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આજે સમગ્ર દેશ કૃષ્ણની ભક્તિમાં લીન છે. ઇસ્કોન મંદિર પરિસર અને બહાર ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.


વહેલી સવારથી જ શહેરના ઇસ્કોન મંદિર ખાતે ભારે ભીડ હોવાથી અહીં પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ હેલ્પડેસ્ક ઉભું કરવામાં આવ્યું છે. મંદિર પરિસરની બહાર ભાવિ ભક્તોના જમાવડાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે પરંતુ, પોલીસ પ્રશાસ દ્વારા ખડેપગે રહી ભાવિભક્તો અને ટ્રાફિકને હળવી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર વાતાવરણ હાલ ભક્તિમયી જોવા મળી રહ્યું છે.

Share :

Leave a Comments