ગુજરાત સરકારે કેફી દ્રવ્યોની હેરાફેરી કરનારા સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરતાં અનેક લોકો કેફી દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાયા હતા તે બાદ હવે ગુજરાત સરકારે કેફી દ્રવ્યો અંગે અવારનવાર ચેકિંગ કરવા તમામ શહેરના પોલીસ કમિશનરને સૂચના આપી હતી તે આધારે વડોદરા પોલીસ કમિશનર ની સૂચના પ્રમાણે આજે સયાજીગંજ પોલીસે એમ. એસ. યુનિવર્સિટી, રેલ્વે સ્ટેશન અને બસ ડેપોની આસપાસમાં શંકાસ્પદ લારી ગલ્લાઓ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું.
વડોદરા શહેરમાં ચાની કીટલીના બહાને કેફી દ્રવ્યોનું વેચાણ કરતા બે આરોપીને સયાજી ગંજ પોલીસે ઝડપી પાડ્યા હતા તે બાદ હવે સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ. એસ. યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરનારા અનેક વિદ્યાર્થીઓ કેફી દ્રવ્યોના બંધાણી બની જતા હોય છે અને તેઓ એમ. એસ. યુનિવર્સિટીની આસપાસમાં આવેલા પાન પડીકીના લારી-ગલ્લાવાળાઓ પાસેથી કેફી દ્રવ્યો ખરીદ કરતા હોવાની માહિતીના આધારે આજે સયાજીગંજ પોલીસે એમ. એસ. યુનિવર્સિટીમાં અને એસટી ડેપો, રેલવે સ્ટેશન વિસ્તારની આસપાસમાં આવેલા લારી-ગલ્લાનું ચેકિંગ કર્યું હતું.