વડોદરામાં પાલિકા દ્વારા અટલ બ્રિજના ઢાળ નીચે ડેકોરેશન માટે સ્ટોન પીચિંગની કામગીરી શરૂ

હાલ ઢાળ નીચેની માટી સરખી કરાશે, બાદમાં ઉપર પથ્થર બેસાડવામાં આવશે

MailVadodara.com - In-Vadodara-the-municipality-has-started-stone-pitching-work-for-decoration-under-the-slope-of-Atal-Bridge

- બ્રિજના ઢાળ નીચેથી માટી બહાર ન નીકળે અને ગંદકી ન ફેલાય તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે સ્ટોન પીચિંગનું કામ હાથ ધરાયું


વડોદરામાં ગેંડા સર્કલથી બનાવેલા અટલ બ્રિજના ઢાળ નીચે માટી ધોવાઈને બહાર ન આવી જાય તે માટે ડેકોરેશનની સ્ટોન પીચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર બ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ આઠ મહિના પહેલા જ ખુલ્લો મુકાયો છે. 

તાજેતરમાં ચોમાસા અને વાવાઝોડા દરમિયાન બ્રિજ નીચેની પ્રોટેક્શન વોલ પડી ગઈ હતી. જેથી બ્રિજની મજબૂતાઈ સામે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ પ્રોટેક્શન વોલ અને બ્રિજને કોઈ સંબંધ નથી અને બ્રિજ સંપૂર્ણ મજબૂત છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. બ્રિજના જ્યાં પણ ઢાળ આવેલા છે તેની નીચે આ પ્રોટેક્શન વોલ બનાવી છે. વાવાઝોડામાં તે તૂટી ગયા બાદ અંદરની માટી વરસાદમાં બહાર આવી ન જાય, નીચે લોકો કચરો ઠાલવીને ગંદકી ન કરે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ ન કરે તેને ધ્યાનમાં રાખીને સ્ટોન પીચિંગની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. જો ઢાળ નીચેનો ભાગ ખુલ્લો રહેતો ગંદકીને લીધે સફાઈના પ્રશ્નો પણ ઊભા થાય તેમ છે.


કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ આ કામગીરી આઠ-દસ દિવસ ચાલશે. આ કામ માત્ર ડેકોરેટિવ છે. હાલ ઢાળ નીચેની માટી સરખી કરવામાં આવી રહી છે અને તે વ્યવસ્થિત થઈ જાય તે પછી તેના ઉપર પથ્થર બેસાડવામાં આવશે. જેથી કરીને થોડો લુક પણ સારો લાગે અને ડેકોરેશન મળી રહે. બાકી આ કાર્યને બ્રિજની મજબૂતાઈ સાથે કશું લાગતું વળગતું નથી.

Share :

Leave a Comments