વડોદરાના વડસર ગામની વડિલોપાર્જીત જમીનનો સોદો કરીને 8.87 લાખ રૂપિયા લીધા બાદ બીજા વ્યક્તિના નામે દસ્તાવેજ કરી દેતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર રોડ પર આવેલા શ્રી અમરકૃપા બંગ્લોઝમાં રહેતા વિઠ્ઠલભાઇ તળશીભાઇ સવાણી(ઉ.70)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ વડસર ખાતે આવેલી તેમની વડિલોપાર્જીત 4770 ચોરસ મીટર જમીન વેચવા માંગતા હતા. જેથી મેં તેમની પાસેથી જમીન લેવાનું નક્કી કર્યું હતું. આ જમીન આરોપીઓએ ઠાકોરભાઇ રણછોડભાઇ બારોટ પાસે ગીરવે મૂકેલી હતી અને વર્ષ 1998માં મેં તેમની જમીન ગીરોમાંથી છોડાવી હતી અને આ જમીનનો 10 રૂપિયા ચોરસ ફૂટનો ભાવ નક્કી કર્યો હતો અને જમીનની કિંમત 6,87,020 રૂપિયા નક્કી કરી હતી.
જે અંગે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી 23 મે-1998ના રોજ બાનાખત પેટે અઢી લાખ રૂપિયા ગીરવે રાખનારા ઠાકોરભાઇ રણછોડભાઇ બારોટની હાજરીમાં નોટરી રુબરુનું બાનાખત તેમજ આ જમીનના ડેવલપમેન્ટ કરાર આરોપીઓ સાથે કર્યાં હતા અને કબજા પાવતીના બીજા અઢી લાખ રૂપિયા મળીને કુલ 5 લાખ રૂપિયા મેં આરોપીઓને જે-તે વખતે રોકડેથી ચુકવી દીધા હતા. જે બાનાખતમાં તમામ આરોપીઓએ સહી કરી હતી. ત્યારબાદ વધારાના 2 લાખ રૂપિયા આપ્યા હતા. મેં આરોપીઓને શરતફેર અંગેની કાર્યવાહી કરવાના મળીને આજ દિવસ સુધી 8,87,020 રૂપિયા આપ્યા છે, તેમ છતાં આરોપીઓએ મને અંધારામાં રાખીને કેટલાક લોકોને બાનાખત કરીને આપ્યા છે અને બીજાને દસ્તાવેજ કરીને આપ્યો છે, આમ મારી સાથે આરોપીઓએ છેતરપિંડી આચરી છે.
આમ મામલે શંભુભાઇ કેવળભાઇ રાઠોડિયા, મગનભાઇ કેવળભાઇ રાઠોડિયા, મંજુલાબેન કેવળભાઇ રાઠોડિયા, મોહનભાઇ કેવળભાઇ રાઠોડિયા અને ભાઇલાલભાઇ કેવળભાઇ રાઠોડિયા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.