વડોદરામાં સ્માર્ટ મીટરોને લઈને રાત્રે ઘરોમાં વીજળી ગુલ થતાં અકોટા સબ સ્ટેશનની ઓફિસે રહીશોએ તોડફોડ કરી વાયરો પણ સળગાવ્યા

વીજળી ગુલ થતાં જુના પાદરા રોડ, તાંદળજા, દિવાળીપુરા અને સન ફાર્મા રોડના રહીશોએ હલ્લાબોલ કર્યો

MailVadodara.com - In-Vadodara-residents-vandalized-the-office-of-Akota-sub-station-and-burnt-the-wires-due-to-the-night-power-failure-in-the-houses-due-to-smart-meters

- સ્થાનિક રહીશોએ ફરિયાદ નોંધાવવા કરેલો ફોન અકોટા સબ સ્ટેશન પર કોઈએ ન ઉપાડતા આખરે વિવિધ સોસાયટીના રહીશોના ટોળાએ અકોટા સબ સ્ટેશન ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો

વડોદરા શહેરના અકોટા MGVCL ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ગુલ થઈ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી. તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરના જુના પાદરા રોડ, દિવાળીપુરા, તાંદળજા, સન ફાર્મા રોડ વિસ્તારમાં ગઈકાલે ફરી એકવાર રાત્રે 10 વાગ્યાથી લઈને મોડી રાત સુધી લાઇટો અવારનવાર ગુલ થતા સ્થાનિક રહીશોના ટોળાએ અકોટા વીજ સબ સ્ટેશન ખાતે હલ્લાબોલ કરી બારીના કાચ તોડી નાખી પડેલા કેટલાક વાયરોનો જથ્થો સળગાવી દેવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક રહીશોએ અધિકારીઓને સ્થળ પર બોલાવવા સતત માગણી ચાલુ રાખી હતી.

વડોદરા શહેરના જુના પાદરા રોડ, દિવાળીપુરા, સન ફાર્મા રોડ, તાંદળજા વિસ્તારની 50થી વધુ સોસાયટીઓમાં ફરી એકવાર કલાકો સુધી લાઈટેો ગુલ થતાં સ્થાનિક રહીશોના ટોળા બહાર આવી ગયા હતા. સ્થાનિક રહીશો એ પહેલા તો અકોટા સબ સ્ટેશન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈએ પણ ફોન નહીં ઉપાડતા આખરે વિવિધ સોસાયટીના રહીશોના ટોળા અકોટા સબ સ્ટેશન ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.


સ્થાનિક રહીશોએ અકોટા સબ સ્ટેશન ખાતે પહોંચી જઈ તપાસ કરતાં કોઈપણ અધિકારી હાજર હતા જ નહીં માત્ર એક જ કર્મચારી ફરજ પર હાજર રાખવામાં આવ્યો હતો જેથી સ્થાનિક રહીશોએ એક કર્મચારીનો ઉધડો લીધો હતો અને અધિકારીઓને બોલાવવા માટે ફરજ પાડી હતી. બીજીબાજુ કર્મચારી રટણ કરતા રહ્યા હતા કે, કર્મચારીઓ સમારકામ માટે વિસ્તારમાં નીકળ્યા છે ટૂંક સમયમાં લાઈટો આવી જશે. તેની સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ રાત્રે લાઇટો જતી રહે છે અને વહેલી સવાર સુધી આવતી નથી આજે રાત્રે 10 વાગ્યાથી લાઈટો ગઈ છે અને હજી રાત્રે બે વાગે લાઈટો આવશે તેવું બહાનું કાઢે છે.


આ દરમિયાનમાં કેટલાક લોકોએ નજીકમાં પડેલા વાયરોનો જથ્થો સળગાવ્યો હતો અને કાચની કેબિનના કાચ પણ તોડી નાખ્યા હતા જેથી મામલો વધુ વણશે તે પહેલા જ પોલીસને બોલાવી લેવામાં આવી હતી. પોલીસે મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોનો હોબાળો યથાવત રહ્યો હતો. અને લોકો મોડી રાત સુધી અકોટા સબ સ્ટેશન ખાતે બેસી રહ્યા હતા.


કેટલાક સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી 24 / 7 વીજ પુરવઠો આપવાની ખાતરી આપી હતી અને તે મુજબ કામગીરી પણ થઈ હતી તે બાદ અન્ય રાજ્યોમાં પણ ગુજરાત વીજળી સપ્લાય કરતું થયું હતું જેથી સરપ્લસ વીજળી થઈ હતી. હવે મોદીજી દિલ્હી પહોંચી ગયા છે તે પછી હવે તેમનું નામ ભાજપના મંત્રીઓ ડુબાડી રહ્યા છે. સ્માર્ટ મીટર અને વારંવાર જતી લાઈટો અંગે પણ હવે નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરી લોકોના હિતની વાત કરવી જોઈએ સાથે સાથે લાઈટ બિલ બાકી હોય તો એમજીવીસીએલ વાળા તાત્કાલિક અસરથી લાઇટ કનેક્શન કાપી નાખે છે પરંતુ હવે પાંચ પાંચ કલાક સુધી લાઇટો ગુલ થઈ જાય છે ત્યારે તેનું વળતર એમજીવીસીએલ આપશે ખરી?


Share :

Leave a Comments