- સ્થાનિક લોકોએ કારચાલકને બહાર કાઢ્યો, પોલીસે કાર કબજે કરી
શહેરના કોઠી ચાર રસ્તાથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ દારુના નશામાં જઇ રહેલા કારચાલકે રોડ ઉપર પાર્ક કરેલી બે જેટલી બાઇકને અડફેટમાં લીધી હતી. કારચાલક વધુ નુકશાન પહોંચાડે તે પહેલાં સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે કોઠી ચાર રસ્તાથી નર્સિંગ હોમ ચાર રસ્તાથી સ્કોર્યિયો કાર લઇને એક યુવાન પુરપાટ પસાર થઇ રહ્યો હતો. રસ્તા ઉપર જતા લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે કાર લઇને નીકળેલા યુવાને રસ્તા ઉપર પાર્ક કરેલી બેથી વધુ મોટર સાઇકલોને અડફેટમાં લીધી હતી. અકસ્માતનો અવાજ આવતા લોકો દોડી ગયા હતા અને કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો.
લોકોએ કારચાલકને બહાર કાઢતા કારચાલક નશામાં ધૂત હતો. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારચાલકની ધરપકડ કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી.
કારચાલકને પોલીસ મથકમાં લઇ જઇ તેની પોલીસે પૂછપરછ કરતા આ યુવાન રાજુ હુરસીંગ સિંગાડ (ઉં.વ.29) વડસર બ્રિજ પાસેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં પણ કારચાલક રાજુ સિંગાડ નશામાં ધૂત હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી કાર્યાવાહી હાથ ધરી હતી.
મોડી રાત સુધી આઇપીએલની ફાઇનલ મેચ હોવાના કારણે લોકો રસ્તા ઉપર હતા. સદભાગ્યે નશામાં ધૂત કારચાલકથી કોઇ જાનહાનિ થઇ નથી. મોડી રાત્રે દાંડિયા બજાર વિસ્તારમાં બનેલા બનાવના પગલે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇએ કારચાલક રાજુ સિંગાડ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સાથે તેની કાર કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.