- મોડીરાત્રે જે-તે બ્રિજ વિસ્તારની પોલીસ અને શહેરની પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં ગોઠવાઇ ગયા હતા, બાઇકર્સમાં ગભરાટ ફેલાયો
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ગોઝારા અકસ્માતની ઘટનાને પગલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ શહેરોના પોલીસ તંત્રને બ્રિજો ઉપર બાઇકર્સો તેમજ બેફામ કાર હંકારનાર સામે સંકજો કસવાના આદેશ જારી કર્યો છે. જેના પગલે વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત રાત્રે દાંડિયાબજાર-અકોટાને જોડતા સોલાર બ્રિજ ઉપર પોલીસે ઓવરસ્પીડમાં જતાં 31 વાહનો ડિટેઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય શહેરોની જેમ વડોદરા શહેરમાં પણ દાંડિયા બજાર-અકોટાને જોડતા બ્રિજ, ફેતગંજ બ્રિજ સહિત અન્ય બ્રિજો ઉપર બાઇકર્સો બેફામ રીતે પોતાની બાઇક ચલાવી સ્ટન્ટ કરતા હોય છે તો કારચાલકો પણ બેફામ કાર લઇને નીકળતા હોય છે. વડોદરામાં તાજેતરમાં જ દાંડિયાબજાર-અકોટા બ્રિજ ઉપર એક બાઇકર્સ યુવાન દ્વારા એક વૃદ્ધાને અડફેટે લઈ જીવ લીધો હતો. આ સાથે બાઇકર્સ ચાલક યુવાને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પછી પણ પોલીસ તંત્રએ કોઈ કડક કાર્યવાહી કરી નહોતી.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર બુધવારે મધરાત્રે કાર ચાલકે 9 લોકોનો ભોગ લેવાની ઘટના બાદ રાજ્યનું ગૃહ વિભાગ પણ સફાળું જાગ્યું હતું. તમામ શહેરોના પોલીસ કમિશનરોને રાત્રે બ્રિજ ઉપર બાઇકો ઉપર સ્ટન્ટ કરનારાઓ સામે અને બેફામ કાર લઈને પસાર થતાં કારચાલકો સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ છૂટતા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘ અને સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ-ટ્રાફિક) મનોજ નિનામાની સુચના અને માર્ગદર્શન હેઠળ ઝોન-2ના નાયબ પોલીસ કમિશનર અભય સોની, સી ડિવિઝનના અધિકારી, તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઇ પી. જી. તિવારી, નવાપુરા પોલીસ મથકના પી.આઇ. એચ.એલ. આહિર સ્ટાફ સાથે રાત્રે બ્રિજો ઉપર જઈ બાઇકો ઉપર સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી.
આ દરમિયાન મોડી રાત્રે જે-તે બ્રિજ વિસ્તારની પોલીસ અને શહેરની પોલીસ એજન્સીઓના જવાનો સિવિલ ડ્રેસમાં બ્રિજ ઉપર ગોઠવાઇ ગયા હતા અને બાઇકર્સો સામે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 5 જેટલા બાઇકર્સ ઝપટમાં આવી ગયા હતા. પોલીસે તેઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી અને 31 વાહનો ડિટેઇન કર્યા હતા. મોડી રાત્રે બેફામ વાહનો લઈને નીકળતા બાઇકર્સને દાંડિયાબજાર-અકોટા બ્રિજ ઉપર પોલીસ પકડી રહી હોવાની જાણ થતાં અડધા રસ્તેથી જ રવાના થઈ ગયા હતા. મોડીરાત્રે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ચકચાર મચી ગઈ હતી. આ સાથે બાઇકર્સમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.