વડોદરામાં ગર્લફ્રેન્ડ સાથે વાત કરનાર યુવકને બોલાવી મિત્રોએ ચાકુથી હુમલો કર્યો, 5ની ધરપકડ

યુવતી બાબતે વાત કરવી છે કહી યુવકને દિનદયાળ હોલ પાસે બોલાવ્યો હતો

MailVadodara.com - In-Vadodara-friends-met-with-knife-after-calling-youth-talking-to-girlfriend-5-arrested

- પોલીસે બનાવમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ બે મોટર સાઇકલ તેમજ ચાર મોબાઇલ ફોન મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

શહેરના આજવા રોડ પંડિત દીનદયાલ હોલ પાસે યુવકે મહિલા મિત્ર બાબતે તેના બોયફ્રેન્ડને બોલાવી તેને ચાકૂ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ચકચારી બનાવમાં બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ બે મોટર સાઇકલ તેમજ ચાર મોબાઇલ ફોન મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા જગદીશ ભાર્ગવ અને તેના મિત્ર અનિકેત ઉર્ફ અનુ દેવશંકર ખેર (રહે. ઇ-301, આશ્રય ફ્લેટ,  માંજલપુર)ની ગર્લફ્રેન્ડ સાથે આજવા રોડ દીનદયાલ હોલ પાસે વાત કરતો હતો. આથી રોષે ભરાયેલા અનિકેત ઉર્ફ અનુ ખેરે જગદીશને બોલાવ્યો હતો અને તેની સાથે તેણે તેના અન્ય ચાર મિત્રોને પણ બોલાવ્યા હતા. પાંચેય મિત્રો આવ્યા બાદ અનિકેત ઉર્ફ અનુ ખેરે જગદીશ ભાર્ગવ પર ચપ્પાથી હુમલો કરી દીધો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન જગદીશના મિત્ર ગૌરવે ઇજાગ્રસ્ત જગદીશના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે, અનીકેત તથા તેની સાથે આવેલા છોકરાંઓએ જગદીશને ચપ્પુ માર્યું છે અને હું તેને લઇ હોસ્પિટલ જાઉં છું. તુરત જ અશોક ભાર્ગવ હોસ્પિટલ પહોંચ્યા હતા.


ઇજાગ્રસ્ત જગદીશે પિતાને જણાવ્યું હતું કે, મારી દોસ્તી જેની સાથે છે તે યુવતી અગાઉ અનિકેતની દોસ્ત હતી. ડિસેમ્બરમાં યુવતી અને અનિકેતનો ઝઘડો થયો હતો. મારે યુવતી બાબતે તારી સાથે વાત કરવી છે એમ કહીને અનિકેતે મને દિનદયાળ હોલ પાસે બોલાવ્યો હતો, તે પછી તેણે હુમલો કર્યો હતો.

બીજી બાજુ અનીકેત દેવશંકર ખેરે ફરિયાદ કરી કે, મારી પ્રેમિકાનો ફોન આવ્યો કે, જગદીશ ભાર્ગવ મારી કોલેજમાં છે, મારી છેડછાડ કરે છે. જેથી હું દિનદયાળ હોલ તેને મળવા ગયો હતો. જ્યાં મેં જગદીશને કહ્યું હતું કે, તું હવે યુવતીને હેરાન ના કરતો. જ્યાં જગદીશે કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા અનિકેત ઉર્ફ અનુ ખેરે તેના મિત્રો સાથે મળી જગદીશ ઉપર ચાકૂથી હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકમાં જગદીશ ભાર્ગવ અને અનિકેત ઉર્ફ અનુ ખેરે સામ-સામે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. જો કે, પોલીસે આ બનાવમાં ગણતરીના કલાકોમાં આરોપી અનિકેત ઉર્ફ અનુ દેવશંકર ખેર (રહે. ઇ-301, આશ્રય ફ્લેટ, માંજલપુર), ધર્મેન્દ્ર કમલેશભાઇ કુરીલ (રહે. 95, ચતુરાઇનગર, મકરપુરા), પ્રમોદ ઉર્ફ પિન્કો ઉર્ફ નોબી જગદીશભાઇ વણકર (રહે. એફ-104, રાજાનંદ ડેવલીંગ ફ્લેટ, તરસાલી), અમિત દિનેશભાઇ પટેલ (રહે. બી-1, મારુતિધામ સોસાયટી, માણેજા ગામ) અને ક્રિષ્ણા ઉર્ફ બિપીન લાલચંદ ગુપ્તા (રહે. 99- સિકોતર નગર-1, અલવાનાકા, માંજલપુર)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments