- દોઢ મહિના પહેલાં પાણીની તૂટેલી લાઇન રીપેરીંગ કરાયા બાદથી પાણી ડહોળું મળી રહ્યું છે, રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી નથી
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારની વ્રજભૂમિ સોસાયટીના 350 જેટલા મકાનના રહીશોને છેલ્લા દોઢેક મહિનાથી પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે. ઓછા પ્રેશરથી મળતું આ પાણી અગાઉ પાણીની લાઈન તૂટી ગઈ ત્યારબાદ શરૂ થયું છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આજવા રોડ વિસ્તારમાં જય યોગેશ્વર ટાઉનશીપની પાછળ આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં કુલ ૩૬૦ મકાનોમાં પરિવારો રહે છે. આ સોસાયટીના નાકે રક્ષાબંધનના તહેવાર આસપાસ પાલિકાની પાણીની લાઈન તૂટી હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે. આ લાઈન લીકેજ રીપેરીંગ કરાયા બાદ સોસાયટીના તમામ 360 પરિવારોને પીવાનું પાણી 20 મિનિટ જેટલો સમય ડોહળું પાણી મળે છે અને ત્યારબાદ ઓછા પ્રેશરથી પાણી મળે છે. આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પણ આ બાબતે પાલિકા તંત્ર દ્વારા કોઈ સુધારો થયો નહીં હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે. આ બાબતે તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય નહીં આવે તો વોર્ડ કચેરીએ મોરચો લઈ જવા બાબતે પણ સ્થાનિક રહીશોએ જણાવ્યું છે.