વડોદરામાં ઓનલાઇન કામ કરી પૈસા કમાવવાની લાલચમાં IT સલાહકારે રૂા.5.70 લાખ ગુમાવ્યાં

સાયબર માફિયાએ એપ્લિકેશન ઉપર ટાસ્ક આપી રોકાણ કરાવી છેતરપિંડી કરી

MailVadodara.com - In-Vadodara-an-IT-consultant-lost-Rs-5-70-lakh-in-the-temptation-of-earning-money-by-working-online

ઘરબેઠા ઓનલાઈન કામ કરી પૈસા કમાવવાની લાલચમાં શહેરનો આઈટી સલાહકાર સાયબર માફિયાનો શિકાર બન્યો હતો. સાયબર માફિયાએ ઓનલાઈન એપ્લિકેશન ઉપર અલગ અલગ ટાસ્ક આપી આઈટી સલાહકાર પાસેથી રૂપિયા 5.70 લાખથી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રોયલ નેસ્ટ એપાર્ટમેન્ટમાં આઈટી સલાહકાર મનન શ્યામકુમાર પરીખ પરિવાર સાથે રહે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જાણાવ્યું હતું કે, 7 માર્ચના રોજ દિવ્યા નામની યુવતીએ મને ટેલિગ્રામ ઉપર નોકરી અંગેનો મેસેજ મોકલ્યો હતો. જેથી મેસેજ આવેલ આઈડી પર ચેક કરતા ફક્ત છોકરીનો ફોટો હતો. મોબાઈલ નંબર કે કંપનીના નામની માહિતી ન મળતા મેં તેને કંપનીનું નામ પૂછતાં સોંપીફાઈ જણાવ્યું હતું અને કામ અંગેનું એક લિસ્ટ મોકલાવ્યું હતું. જેમાં પાર્ટ ટાઈમ બે કલાક કામ માટે રૂપિયા 1500 તથા 4 કલાકના રૂપિયા 3 હજારની ઓફર કરી હતી. જેથી મેં ફૂલ ટાઈમ નોકરી કરવાની વાત કરી હતી.

થોડા સમય પછી મને તે જ કંપનીના નામે ધર્મિષ્ઠા નામની યુવતીએ મેસેજ કર્યો હતો અને કંપની મર્ચન્ટના પ્રોડક્ટ અને સેલ્સને ઇમ્પ્રુવ કરવા માટેના સરવેનું કામ કરતી હોય રજિસ્ટ્રેશન માટે જણાવ્યું હતું. રજિસ્ટ્રેશન બાદ ટેલિગ્રામ ગ્રુપમાં વિશ્વાસ આવે તે માટે અન્ય લોકોના ટાસ્ક પૂરા થયાની માહિતી દર્શાવી હતી. ત્યારબાદ મને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા અને જેની રકમ ભરાવી હતી. ટૂકડે ટૂકડે રૂપિયા 70,628ની રકમ ભરાવી તેના કમિશન સાથે રૂપિયા 88,078ની રકમ પરત કરી વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ મેં ટાસ્ક માટે વધુ કમિશનની લાલચે રૂપિયા 5,70,477 ભરતા વારંવાર વધુ નાણાંની માગ કરતા હું છેતરપિંડીનો શિકાર બન્યો હોવાનું જણાયું હતું.

આ દરમિયાન, આઇટી સલાહકાર મનન પરીખે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાયબર માફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ટેલિગ્રામ આઈડીધારક, મોબાઈલ નંબરધારક, બેન્ક એકાઉન્ટધારક સહિત 11 શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તમામ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments