- માંજલપુર પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થિનીના રહસ્યમય મોતની તપાસ હાથ ધરી
શહેરના વડસર રોડ ઉપર રહેતી 15 વર્ષની વિદ્યાર્થિનીએ થોડા સમય પહેલાં જ ધો.10ની પરીક્ષા આપી હતી. જો કે, ગત મોડીરાત્રે પોતાના ઘરમાં જ ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થિનીના રહસ્યમય મોતની તપાસ હાથ ધરી છે. આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી, ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે મને ખબર નથી.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના વડસર મધુ સાગર સોસાયટીમાં રહેતી ધો.10ની વિદ્યાર્થિની પ્રિયા મુકેશભાઇ જોશી (ઉં.વ.15)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થિનીએ ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.10ની પરીક્ષા આપી હતી. જાેકે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થિની અગમ્ય કારણોસર ગુમસૂમ રહેતી હતી.
ગત મોડીરાત્રિ દરમિયાન પ્રિયાએ પોતાના બેડરૂમના પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. સવારે પિતા મુકેશભાઇ જોશીએ દીકરીને પંખા ઉપર લટકેલી જોતા સ્તબ્ધ થઈ ગયા હતા અને રોકકળ શરૂ કરી હતી. મુકેશભાઇ જોશીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
આ દરમિયાન પંખા ઉપર લટકેલી પ્રિયાનો મૃતદેહ ઉતારી હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પ્રિયાના શરીરમાં કોઈ હલન-ચલન ન દેખાતા પિતા મુકેશભાઇ જોશીએ માંજલપુર પોલીસને જાણ કરી હતી. માંજલપુર પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
માંજલપુર પોલીસે મુકેશભાઇ જોશીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રિયાને સવારે પંખા ઉપર લટકતી જોઈ હતી. પ્રિયાએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આગામી દિવસોમાં તેનું પરિણામ આવવાનું હતું. જો કે, પ્રિયા અભ્યાસમાં તેજસ્વી હતી. પરંતુ, તેણે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તેની મને ખબર નથી. પોલીસે પિતાના નિવેદનના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જાેકે ધોરણ 10નું પરિણામ આવે તે પહેલાં પ્રિયા જોશીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માંજલપુર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.