- ન્યુ વીઆઇપી રોડ પર ભંગાણ સર્જાતા અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ
શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં 15 ફૂટ ઉંચો ફૂવારો ઉડ્યો હતો. મજૂરોના ભરોસે કામ છોડતા કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે પાણીની લાઇન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
શહેરમાં ઠેર-ઠેર રોડ પહોળાં કરવાની, પાણીની નવી લાઇન નાંખવાની, ગેસ લાઇનો નાંખવા સહિત વિવિધ કામગીરી ચાલી રહી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આ કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો મજૂરોના ભરોસો કામગીરી ચાલુ કરાવીને રવાના થઇ જતાં હોય છે. જેના કારણે મજૂરો આડેધડ કામગીરી કરતા હોવાથી અનેક વખત પાણી, ડ્રેનેજ લાઇનોમાં ભંગાણ થવાની ઘટનાઓ બનતી હોય છે.
શહેરના ન્યુ વીઆઇપી રોડ ઉપર મિલન પાર્ટી પાસે રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતાં 15 ફૂટ ઉંચો ફૂવારો ઉડ્યો હતો. કલાકો સુધી પાણીનો ફૂવારો ઉડતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.
પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ હતી. જો આ લાઇનનું વહેલી તકે સમારકામ નહિં થાય તો સાંજના સમયના પાણીના વિતરણ ઉપર અસર પડશે. જોકે, આ ઘટનાની જાણ સંબંધિત વિભાગને થતાં પાણીની લાઇનનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
વિસ્તારના સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સંકલનના અભાવના કારણે અવાર-નવાર પાણીની લાઇનો તૂટતી હોય છે. છતાં, આ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાના જવાબદાર વિભાગ દ્વારા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે તેનો ભોગ સામાન્ય પ્રજાને બનવું પડે છે. પાણીની લાઇન જતી હોવા છતાં, આડેધડ રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માગ છે.