- ગાયનું બહાર નિકળેલું હૃદય ફરી સ્થાપિત કરી વાછરડા અને ગાયને નવજીવન આપ્યું
રાજ્યના પશુપાલન વિભાગના સહયોગથી EMRI ગ્રીન હેલ્થ સર્વિસ હેઠળ કાર્યરત કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા રિંગમાં ફસાયેલા સાપ અને નવજાત વાછરડાનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 28 એપ્રિલે, શનિવારે વર્લ્ડ વેટેરનરી ડે છે. ત્યારે કરૂણા એમ્બ્યુલન્સની ટીમ દ્વારા પ્રસુતિ વખતે ગાયનું હૃદય બહાર નિકળી ગયું હતું. આથી આ પડકાર વચ્ચે ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. બાદમાં ગાયનું બહાર નિકળેલું હૃદય ફરી સ્થાપિત કરી વાછરડા અને ગાયને નવજીવન આપ્યું હતું.
મળેલી માહિતી મુજબ વડોદરાના માંજલપુર વિસ્તારમાં એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટ વોલેન્ટરી દર્શિલ પંચાલ એક સાપનું રેસ્ક્યૂ કરીને લાવ્યા હતા, પણ સાપ રિંગમાં ફસાયો હતો. ત્યારબાદ 1962 નંબર પર ફોન કર્યો હતો. કોલ મળતા તુરંત જ એમ્બ્યુલન્સના ડો.ચિરાગ પરમાર અને તેમના પાયલોટ કમ ડ્રેસર રતનસિંહ ઘટનાસ્થળ પર પહોંચી 40 મિનિટની મહેનત કરી સાપના ઉપરના ભાગ પર તેલ લગાવીને સાપને ઈજા ન થાય એમ ધીમે ધીમે રિંગથી અલગ કર્યો હતો. પરંતુ રિંગનો ભાગ ખુબ જ સાંકડો હોવાના લીધે સાપની ચામડી પર ઘા પડ્યા હતા એને બરાબર સાફ કરી એના પર પાઉડર અને મલમ લગાવ્યો હતો.
આ સમગ્ર ઘટના માંજલપુર વિસ્તારની હતી. વિશ્વામિત્રી ટાઉનશીપ નજીક ચિમનકાકાની વાડીમાં સાપને રિંગમાંથી કાઢ્યા બાદ તેને પાણીમાં મૂકવામાં આવ્યો હતો. જો કે, સાપ બિનઝેરી નિકળ્યો હતો. આનંદી ગામમાં ગાયની સફળ ડિલિવરી કરાવી આ ઉપરાંત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે, જેમાં નજીકના દસ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આનંદી ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડો. હેમાંગ પટેલ તથા પાયલોટ શૈલેષભાઈ તડવીને ઝાંઝડ ગામના સચિનભાઈએ તાત્કાલિક સારવાર માટેનો કેસ નોંધાવ્યો હતો. પશુ ચિકિત્સક ડો. હેમાંગ પટેલ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.
દરમિયાન ગાયના માલિક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા ચાર કલાકથી ગાય પ્રસુતિની પીડાથી પીડાય છે, પણ વાછરડું બહાર આવતું નથી. ગાયનું હ્રદય બહાર નીકળેલું હતું, જેથી વાછરડું બહાર નીકળી શકવામાં તકલીફ હતી. ગાય અને તેના વાછરડાને બચાવવા માટે ડો.હેમાંગ પટેલ તથા પાયલોટ શૈલેષભાઈ તડવીએ ત્રણ કલાકની મહેનત કરી વાછરડાને જીવિત બહાર કાઢ્યું હતું. બાદમાં ગાયનું બહાર નિકળેલું હૃદય ફરી અંદર સ્થાપિત કરી મેડિકલ સારવાર આપી બંનેનો જીવ બચાવ્યો હતો.
દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વર્લ્ડ વેટેરીનરી ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ વેટરનરી એસોસિએશન દ્વારા વર્લ્ડ વેટરનરી ડે 2023ની થીમ પશુ ચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા, એકતા અને વ્યાપકતાને પ્રોત્સાહન રાખવામાં આવી છે. રાજ્યના પશુપાલન વિભાગની વડોદરામાં આવેલી તમામ સંસ્થાઓના સૌજન્યથી તથા વડોદરા વેટરનરી સોસાયટીના તાંત્રિક સહયોગથી આવતીકાલ 29 એપ્રિલ, 2023ના રોજ વર્લ્ડ વેટેરીનરી ડેની ઉજવણી સવારે 8થી 12 વાગ્યા દરમિયાન કરવામાં આવશે.