- બિલ્ડરે ટૂંક સમયમાં કામ ફરી શરૂ કરીશું તેમ કહી થોડાક સમયમાં પોતાની સાઈટનું કામ બંધ કરી ઓફિસ તોડી ત્યાંથી ફરાર થઇ ગયા હતા
વડોદરા શહેરમાં ઠગાઈના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગાઈનો માસ્ટરમાઈન્ડ મનીષ પટેલ સામે વડોદરા શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં કરોડોની છેતરપિંડીની ફરિયાદો નોંધાઇ છે. ત્યારે વધુ એક ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાઇ છે. બાપોદ પોલીસ મથકમાં ઠગ બિલ્ડર મનીષ પટેલ સાથે તેની પત્ની રૂપલ પટેલ સામે પણ 57 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે બપોદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના નિઝામપુરાના સંતોષીનગરમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા મોરારભાઈ જાદવભાઈ રોહિતે નોંધાવેલ ફરિયાદ મુજબ, વર્ષ 2015માં કેયા બિલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદાર મનીષ મહેન્દ્રભાઇ પટેલે શહેરના ખોડીયારનગર ચાર રસ્તા, અર્થ આઇકોનની સામે, ન્યુ વી.આઇ.પી. રોડ ખાતે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શીયલ હબ નામની દુકાનો તથા ઓફિસની સ્કીમ લોન્ચ કરી હતી. તે દરમિયાન સ્કીમ આધારે મને ફર્સ્ટ ફ્લોર પરની એફ.એફ.115 નંબરની દુકાન બુક કરવી હતી. જેની કિંમત રૂપિયા 21,76,000 નક્કી કરવામાં આવી હતી.
બાદમાં આ દુકાન પેટે તારીખ 20/01/16ના રોજ રૂપિયા 10,83,600 ચેક દ્વારા આપ્યા હતા. બાદમાં કુલ 11,30,737 કુલ ચૂકવી આપી બાનાખત કરી આપવાની વાત થઈ હતી. પરંતુ અન્ય રકમ આપ્યા બાદ વેચાણ બાનાખત કરવાની વાત કરી હતી. બાદમાં વર્ષ 2020માં આ સ્કીમ અંગે તપાસ કરતા કોરોનાની મહામારી દરમિયાન ઝડપી પજેશન આપવા માટે વાત કરી હતી. ત્યારે કામ ટૂંક સમયમાં ફરી શરૂ કરીશું તેવી વાત કરી હતી, પરંતુ થોડાક સમયમાં પોતાની સાઈટનું કામ બંધ કરી ઓફિસ તોડી ત્યાંથી જતા રહ્યા હતા. જેથી તમામ ગ્રાહકોએ રેરામાં આ બાબતે અરજી કરી હતી. જેમાં મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી.
આજ સ્કીમમાં અન્ય સભ્ય ચિરાગકુમાર અશોકકુમાર પારેખ (રહે-82 આમ્રપાલી ટેનામેન્ટ વૈકુઠ-2 ખોડીયાર નગર ન્યુ.વી.આઈ.પી રોડ વડોદરા શહેર)એ પણ એફ.એફ 164ની દુકાન પેટે 16,50,000, રૂપિયા ચૂકવ્યા હતા. આ સાથે કમલેશ ચન્દ્રવદન નાડી (રહે-એચ/103, શુકન-2 એરપોર્ટ સર્કલ પાસે, વડોદરા)એ પણ એફ.એફ- 138 નંબરની દુકાન પેટે કુલ રૂપિયા 30,00,000 ચૂકવ્યા હતા.
જેથી કેયા બિલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદારી મનિષ મહેન્દ્રભાઇ પટેલ અને રૂપલબેન મનિષભાઇ પટેલ (બંને રહેવાસી-મ.નં.ડી 57, સિલ્વર પાર્ક, કરોડીયા રોડ, વડોદરા તથા મ.નં.202 સાઇન પ્લાઝા, નટુભાઇ સલ, રેસકોર્સ, વડોદરા)એ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિલ હબ નામની સ્કીમ લોન્ચ કરી ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 57,80,737ની છેતરપિંડી આચરતા આખરે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.