કરજણમાં તળાવના કિનારે કપડાં ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો,લોકોમાં ભયનો માહોલ

તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી

MailVadodara.com - In-Karjan-a-woman-who-was-washing-clothes-on-the-shore-of-a-lake-was-dragged-into-the-water-by-a-crocodile-people-are-afraid

- ફાયરબ્રિગેડની ટીમે એક કલાકની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી મહિલાનો લોહી લૂહાણ થઇ ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો


વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઉંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે કરજણ ગામમાં રહેતા કંચનબેન રાઠોડ  એકલવાયું જીવન જીવતા હતા. આજે તેઓ પોતાના કપડાં ધોવા માટે ગામમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવે ગયા હતા. જ્યાં તેઓ તળાવના કિનારે બેસી કપડાં ધોઇ રહ્યા હતા. તે દરમિયાન તળાવમાંથી ધસી આવેલા મગરે કંચનબેન પર હુમલો કરી અને પોતાના જબડામાં નાંખી ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.


આ ઘટનાને પગલે તળાવના કિનારે કપડાં ધોઇ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી હતી. પરંતુ, લોકો આવે તે પહેલાં મગર કંચનબેનને જડબામાં લઇ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવની જાણ તળાવની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થતા તમામ તળાવ ખાતે ઉમટી પડ્યા હતા.


બીજી બાજુ આ બનાવની જાણ વડોદરા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ રબર બોટ, દોરડા સહિતની સાધન-સામગ્રી સાથે પહોંચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે એક કલાક ઉપરાંતની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી કંચનબેનનો લોહી લૂહાણ થઇ ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો. રેસ્ક્યુ ટીમે પોતાના ઉપર મગરો હુમલો ન કરે તે રીતે સિફતપૂર્વક લાકડીના સહારે મહિલાનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢી બહાર કાઢ્યો હતો. મહિલાના મૃતદેહને તળાવની બહાર લાવી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મહિલાનો મૃતદેહ કબજે કરી કરજણ સામુહિક કેન્દ્રમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કરજણમાં મગરના હુમલાથી મહિલાના નિપજેલાં મોતના બનાવે કરજણ નગરમાં ચકચાર જગાવી મૂકી હતી.


તળાવની આસપાસ રહેતા લોકોએ જણાવ્યું હતું કે, તળાવમાં ઉંડુ પાણી છે અને તળાવમાં મગરો વસવાટ કરે છે. તળાવના કિનારે કપડાં ધોવા અથવા તળાવમાં નાહવું જોખમ ભરેલું છે. તળાવમાં વસવાટ કરી રહેલા મગરોએ ગામ લોકોમાં ભય ફેલાવી દીધો છે. તળાવમાં રોજ કપડાં ધોવા જતી મહિલાઓ પણ હવે ગભરાઇ રહી છે.

Share :

Leave a Comments