ફૂલવાડીના હાજીપાર્કમાં સો જેટલા મકાનોમાં છેલ્લાં એક સપ્તાહથી પીવાનું પાણી કાળા રંગનું મળે છે..!

પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતાં આ સ્થિતિ સર્જાઈ

MailVadodara.com - In-Hajipark-of-Phulwadi-around-a-hundred-houses-have-been-getting-black-drinking-water-for-the-past-one-week

- ગટરો સાફ કરવા છતાં પાણી ચોખ્ખું નહીં મળે તો લાઈન કાપવી પડશે


વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં નવાયાર્ડ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કાયમી થઈ ગઈ છે જેનો કોઈ ઉકેલ આવતો જ નથી. ટીપી 13 વિસ્તારમાં આવેલા ફૂલવાડી હાજીપાર્કમાં આશરે સો મકાનોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગટરનું ગંદુ કાળા રંગનું પાણી લોકોને પીવા માટે મળે છે. આ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ ગઈકાલે જ ગટર સાફ કરવા આવ્યા હતા પરંતુ સફાઈ પછી પાણીમાં કોઈ ફરક પડ્યો નથી. તરુણનગરમાં પણ ગંદા પાણીની સમસ્યા છે. નવાયાર્ડ રસુલજીની ચાલીમાં ગટરના પાણી પીવાના પાણી સાથે ભળતા હોવાની ફરિયાદ ઉઠતા લાઇન કાપવામાં આવી છે. આ વિસ્તારમાં રોજ કોઈને કોઈ જગ્યાએ ગંદા પાણીની ફરિયાદો આવતી જ રહે છે. 

કોંગ્રેસના આજ વોર્ડના સિનિયર મહિલા કોર્પોરેટર ના કહેવા મુજબ ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી ગટરો સાફ કરાવી છે. આજે સાંજે પાણી જો ચોખ્ખું નહીં મળે તો લાઈન કાપવાની જરૂર પડશે. જ્યારે ગટર ચોક થાય છે, ત્યારે આ પ્રશ્નો ઊભો થાય છે. બીજી બાજુ કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ અહીં પાણીનું પ્રેશર ન મળે ત્યારે મોટરો મૂકીને પાણી લે છે. સાંજે પાણી આવે કે તરત જ મોટરોની સ્વીચ પાડી દેવામાં આવે છે. પરિણામે જે બંધ લાઈનોમાં ઓવરફ્લો ગટરનું પાણી ભરેલું હોય તે પણ મોટરના પ્રેશરથી પાણી સાથે ભળવાથી ગંદા પાણીની સમસ્યા ઉદભવે છે. બીજું પાણી અને ગટરના ગેરકાયદે કનેક્શન પણ નવા યાર્ડ વિસ્તારમાં હોવાથી તે લીકેજ થાય ત્યારે આ સમસ્યા ઊભી થાય છે. જો ગટરોની સફાઈ નિયમિત થાય તો દૂષિત પાણીની સમસ્યા માંથી રાહત મળી શકે.

Share :

Leave a Comments