અટલાદરામાં વરરાજાએ ખુની ખેલ ખેલ્યો, ડીજે બંધ કરાવ્યાની આશંકાએ ચપ્પાના ઘા ઝીંકી યુવકની હત્યા

મૃતક જમ્યા બાદ બહેન સાથે બેઠો હતો ત્યારે વરરાજાના ભાઈએ જૂની અદાવતમાં ઝઘડો કર્યો

MailVadodara.com - In-Atladara-the-groom-played-a-murderous-game-the-youth-stabbed-the-chappa-for-fear-of-shutting-down-the-DJ

- પ્રકાશ અને તેની માતાએ યુવકને પકડી રાખી અજયે ઉપરા-છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઢળી પડ્યો, સારવાર અર્થે ખસેડાતા ડોકટરે મૃત જાહેર કર્યો

- અટલાદરા પોલીસે માતા અને 2 પુત્રો સામે ગુનો નોંધ્યો, 2 આરોપીની ધરપકડ


વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો. લગ્નની પીઠીભર્યા વરરાજા, તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા. ઉપરા-છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ બેભાન થઇને ઢળી પડ્યો હતો. જેને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેણે દમ તોડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, D.J બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ડી. ડિવિઝનના એસીપી એ.વી. કાટકર્ડ જણાવ્યું હતું કે, યુવકની હત્યાના કેસમાં અટલાદરા પોલીસે માતા અને 2 પુત્રો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી અજય અને પ્રકાશ સગા ભાઇ છે. આરોપીએ યુવકને ચપ્પુના 5થી 6 ઘા માર્યા હતા. અજય ફરાશખાનનો ધંધો કરે છે અને પ્રકાશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.


વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા ચાણક્યનગરીમાં રહેતા શર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ ઠાકોર (ઉ.વ.19)એ અટલાદરા પોલીસ રટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 9 મેને ગુરુવારે હું અને મારો ભાઈ પવન તથા મારી માતા રેણુકાબેન સાંજના ઘરે હતાં. રાતે પરિવાર સાથે જગ્યા બાદ સાડા નવ વાગ્યે મારો ભાઈ અમારા બ્લોકમાં ઉપરના માળેથી નીચે ઉતર્યો હતો. હું ઘરમાં હતી અને ત્યાર પછી હું પણ અમારા બ્લોકમાંથી નીચે ગઇ હતી. જ્યાં હું અને મારો ભાઈ અમારા બ્લોક નીચે બેઠા હતાં. અમારા ચાણક્યનગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના ભગ્ન હોવાથી ત્યાં ગરબા જોઈ રહ્યાં હતા.

આ સમયે પ્રકાશનો નાનોભાઈ અજય મારા ભાઈ પવન પાસે રાત્રિના 10.30 વાગ્યે આવ્યો હતો. તેણે મારા ભાઈને જણાવ્યું હતું કે, હોળી-ધુળેટી વખતે મારાભાઇની બાઈક સાથે કાર એક્સિડેન્ટ થયો હતો. ત્યારે કારવાળાનું ઉપરાણુ લઇને મારા ભાઇ સાથે તે અને તારા મોટા પપ્પાના દીકરાઓએ કેમ ઝઘડો કર્યો હતો? 'તું અહીંનો દાદા થઇ ગયો છે, તારી દાદાગીરી વધતી જાય છે' તેમ કાઢી તારા જેટલા માણસો હોય તેટલા માણસો બોલાવી લે, આજે તને છોડીશું નહીં તેવી ધમકી આપી હતી.


આ દરમિયાન અજયની માતા હંસાબેન સોમાભાઇ રોહિત પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ મારા ભાઈ પવનને ગાલ ઉપર લાફો મારી દીધો હતો અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વખતે મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર્થ આવી ગયા હતા. પ્રકાશનું લગ્ન હોવાથી આપણે ઝઘડો તકરાર કરવો નથી, તેવુ કહીને તેઓએ અમને અમારા ઘરે જતા રહેવાનું કહેતા હાર્દિક અને પાર્થ તેઓના ઘરે જતા રહ્યાં હતાં. હું અને મારો ભાઈ અમારા ઘરે જતા હતા, ત્યારે બ્લોક નં.8, મકાન નં-17 સામેથી રાત્રિના 11.15 વાગ્યે પસાર થતા હતા. ત્યારે પાછળથી પ્રકાશ અને તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકાશ અને તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજયે તેના હાથમાં રાખેલ ચપ્પા વડે મારા ભાઇને શરીરના પાછળના ભાગે ઘા માર્યા હતાં. મારા ભાઈને ડાબા ખભા ઉપર ગળાના ભાગે, બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા-છાપરી ચપ્પાના ઘા માર્યા હતાં. જેથી મારા ભાઇને લોહી નીકળવા લાગ્યુ હતું અને તે બેભાન થઇને પડી ગયો હતો. તે વખતે ત્યાં મારા મોટા પપ્પા સુરેશભાઈ મગનભાઈ ઠાકોર તેમના દિકરા હાર્દિક અને પાર્થ, મારી માતા રેણુકાબેન તથા મારી મોટી મમ્મી દક્ષાબેન આવી ગયા હતા. જેથી અજય, પ્રકાશ અને તેની માતા હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતાં. જે બાદ મારા મોટા પપ્પા સુરેશભાઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા ભાઈ પવનને લઇને હું, મારી માતા અને મોટી મમ્મી દક્ષાબેન સયાજી હોસ્પિટલમાં ભઈ ગયા હતા. ત્યાં ડોકટરે રાત્રિના 11.45 વાગ્યે મારા ભાઈને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મેં આટલાદરા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ, અજય અને તેની માતા હંસાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments