- તસ્કરો દુકાનો અને ઓફિસોના શટરો ઉંચા કરી અંદર પ્રવેશ્યા, તસ્કર ટોળકી કોમ્પ્લેક્સની ઓફિસોના સીસીટીવીમાં કેદ, વેપારીઓમાં ગભરાટ
શહેરના અકોટા વિસ્તારમાં આવેલા વૃંદ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સ્થિત 12 જેટલી દુકાનો-ઓફિસોના મોડી રાત્રે તસ્કરોએ તાળા તોડી લાખો રૂપિયાની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અકોટા વિસ્તારના વેપારીઓમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટનામાં તસ્કરો CCTV કેદ થઇ ગયા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે તપાસ હાથ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે અકોટા વિસ્તારમાં ગાય સર્કલ પાસે આવેલ વૃંદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કોમ્પ્લેક્સ સ્થિત 12 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનો અને ઓફિસોના શટરોના તાળા તોડી દુકાનો-ઓફિસોમાં પ્રવેશ્યા હતા. દુકાનો-ઓફિસોના ડ્રોવરોમાંથી રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કોમ્પ્લેક્સમાં ત્રાટકેલી તસ્કર ટોળકી કોમ્પ્લેક્સની ઓફિસોના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં એક તસ્કર દુકાનમાં પ્રવેશી ચોરી કરી રહ્યો હોવાનું નજરે પડે છે. આજે વહેલી સવારે દુકાન માલિકો દુકાન ખોલવા આવતા દુકાનના તાળા તૂટેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. દુકાન ખોલી તપાસ કરતા રોકડ રકમ સહિતના મુદ્દામાલની અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થયાની જાણ થઇ હતી. વેપારીઓને કોમ્પ્લેક્સના એક ઓફિસ કે એક દુકાનનું તાળું તૂટ્યું નથી. પરંતુ, 12 જેટલી દુકાન-ઓફિસના તાળાં તૂટ્યાની જાણ થતાં કોમ્પ્લેક્સના દુકાનદારો અને ઓફિસ સંચાલકો દોડી આવ્યા હતા.
આ દરમિયાન બનાવ અંગેની જાણ ગોત્રી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા ન હતા. બીજી બાજુ એક રાતમાં 12 દુકાનો-ઓફિસોના તાળાં તૂટતા વેપારીઓ ટેલરની દુકાન ધરાવતા મુતુ રેડ્ડી અને બાલાજી કેપીટલની ઓફિસ ધરાવતા પવન ઝાએ શહેર પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા હતા. વેપારીઓને સુરક્ષા પૂરી પાડવાની લાગણી વ્યક્ત કરી હતી. મુતુ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તસ્કરોએ મારી દુકાનમાંથી રૂપિયા 5 હજાર રોકડ લઇ ગયા છે. જ્યારે પવન ઝાએ જણાવ્યું કે, તસ્કરો મારી ઓફિસમાંથી રૂપિયા 10 હજાર જેટલી રોકડ ચોરી કરી ગયા.
અકોટા વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકનાર ચોરીના આ બનાવ અંગે ગોત્રી પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે અજાણી તસ્કર ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. તસ્કરો કોઇ જાણભેદુ હોવાનું પોલીસનું અનુમાન છે. આ બનાવે વિસ્તારમાં અન્ય વેપારીઓમાં પણ ગભરાટ ફેલાવી દીધો છે.