શ્રમજીવીએ કઢાઈ મફત આપવાની ના પાડી તો કાયદાની આડમાં પકડીને પુરી દીધો..?

બોલો, આ કહેવાતી જાબાઝ પોલીસને શું કહેવું ..?

MailVadodara.com - If-the-laborer-refused-to-give-the-kadai-free-of-charge-he-was-caught-under-the-guise-of-the-law-and-executed

- ફતાલાલ મુજબ તેણે ટ્રાફિક પો. ઈ. વસાવા ને ત્રણ કઢાઈ મફત આપવાની ના પાડી  એટલે તેની સામે કાર્યવાહી થઈ

- ફ્તાલાલ જ્યાં પેટીયું રળે છે તેની સામે લકઝરી બસોનું ગેરકાયદેસર પીકઅપ પોઇન્ટ છે..!

- અમે કાયદા હેઠળ  યોગ્ય કાર્યવાહી કરી છે : વસાવા

- પોલીસે ધાર્યું હોત તો ફ્તાલાલ ને સ્થળ દંડ અથવા કોર્ટ મેમો આપી  માનવતા દાખવી  શકી હોત

- પોલીસ માનવતા ચુકી  તો મીડિયાએ માનવતા દાખવી  ફ્તાલાલ ના જામીન ની વ્યવસ્થા કરી


વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન કરાવવામાં સદંતર નિષ્ફ્ળ રહેતી ટ્રાફિક પોલીસે એક બોલેરો પીકઅપ વાનના ચાલક સામે કાયદાનો ડંડો વિઝી છાતી ફુલાવી હતી. કાશીવિશ્વનાથ મંદિર સામે સડકના કિનારે બોલેરો પીકઅપ વાન ઉભી રાખી માટીની કઢાઈ અને લેપટોપ ના નાના ટેબલ વેચી પેટીયું રળતો નિર્દોષ શ્રમજીવી જાણે કુખ્યાત  ગુન્હેગાર હોય એવી કઠોર કાર્યવાહી કરી કહેવાતી જાબાઝ પોલીસે માનવતા પણ નેવે મુકી દીધી હતી.


હપ્તાખોરીમાં છાશવારે  બદનામ થતા અને મલાઇદાર ગણાતા ટ્રાફિક પોલીસ વિભાગની ગરીબોને કાયદાનું પાલન  કરાવવામાં ગજબની કુશળતા છે. જો કોઈ ગરીબ ટ્રાફિક પોલીસની અડફેટેમાં આવી  જાય તો બિચારાનું આવી જ બને, એ નક્કી છે. તાજેતરમાં ટ્રાફિક પોલીસ વિભાગના  પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. વસાવાએ એક શ્રમજીવી પર કાયદાનો ડંડો એવો વિંઝયો કે એ બિચારો પરિવાર સાથે  કફોડી પરિસ્થિતિ માં મુકાઈ ગયો. મુળ રાજસ્થાન ના અને પરિવાર સાથે  રાજમહેલ રોડ પર કાશીવિશ્વનાથમંદિર  સામે છેલ્લા ત્રણ વર્ષથી  પરિવાર સાથે  બોલેરો વાનમાં રહેતાં અને સડકના કિનારે માટીના વાસણો તથા  લેપટોપના નાના ટેબલ વેંચતા ફ્તાલાલ નું માનીયે તો સોમવારે ટ્રાફિક વિભાગના  પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. વસાવા પોલીસ વાનમાં મારી બોલેરો પાસે આવ્યા હતા. વાનમાં બેસેલા પો.ઈ વસાવાએ મારી પાસે માટીની ત્રણ કઢાઈ મફત માંગી હતી. મફત આપવાને બદલે મેં મારી પડતર કિંમત રૂપિયા ૬૦ ની એક પ્રમાણે તેમને આપવાનું કહ્યું હતું.


મફત આપવાની ના પાડતા પો. ઈ. વસાવા  મારા પર ગુસ્સે થયા હતા અને જિપમાં બેઠા બેઠા  મારી ફેટ પકડી હતી. મને જીપ નવાપુરા પોલીસ સ્ટેશને લઈ લેવાનું જણાવ્યું હતું. મેં બે કઢાઈ મફત આપવાની  તૈયારી બતાવી હતી. પો. ઈ વસાવાએ ફતાલાલ સામે કાર્યવાહી કરવાનું કહેતા તેને હાથ જોડી આજીજી કરી હતી. પગે પડવાની તૈયારી  બતાવી, કાન પકડી માફી માંગી પરંતુ વસાવા એક ના બે થયા નહીં અને નવાપુરા પોલીસને બોલાવી ફતાલાલ ની જીપ નવાપુરા પોલીસ મથકે લઈ આવ્યા હતા.


ફતાલાલ સામે નવાપુરા પોલીસ મથકમાં ઇપીકો કલમ ૧૮૬ અને ૨૮૩ મુજબ ગુન્હો નોંધાયો હતો.આટલે થી  સંતોષ નહીં થતા પોલીસે ઇપીકો કલમ ૨૮૩ મુજબ ફતાલાલની જીપ જમા કરી તેને મોટર વહીકલ એકટની વિવિધ કલમો મુજબ આર. ટી. ઓ નો મેમો પણ આપ્યો. સવાર થી  સાંજ સુધી  ભૂખ્યા તરસ્યા ફતાલાલ અને ઈજાગ્રસ્ત પત્ની તથા બે માસુમ બાળકો પણ નવાપુરા પોલીસ મથકે  બેસી રહ્યા. ફ્તાલાલ પાસે જીપના તમામ કાગળો હતા છતાં તેની પાસે કાગળો નથી એવુ બતાવી આરટીઓ ના મેમોમાં વિવધ કલમો ઉમેરવામાં આવી તેને આરટીઓ માં આશરે રૂપિયા ૧૨૦૦૦ નો દંડ ભરવો પડશે. છેવટે  રાત્રીના ૧૧ વાગે ફ્તાલાલ નો જામીન કરવામાં આવ્યા. જીપ જ ઘર હતું અને જીપ પોલીસ સ્ટેશને જમા થતા  ફ્તાલાલ અને તેના લાલબાગ બ્રિજ નીચે  સડક પર સુવાનો વારો આવ્યો છે. ગરીબ અને શ્રમજીવી પરિવાર સામે ટ્રાફિક પોલીસની અચાનક સક્રિયતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.



અમે ધુળેટી ના પર્વ નિમિતે પેટ્રોલિંગમાં હતા ત્યારે કાશીવિશ્વનાથ મંદિર  સામે એક બોલેરો પીકઅપ વાન સાથે  એક ઈસમ સડક પર માટીના વાસણો અને લેપટોપના પાટિયા મુકી ટ્રાફિક ને અડચણ થાય એ રીતે દબાણ કરી રહ્યો હતો. એને અમે જીપ અને દબાણો હટાવી લેવાનું કહેતા તેણે ના પાડી હતી. મેમો લેવાની પણ ના પાડી હતી. છેવટે  અમારે નવાપુરા પોલીસને બોલાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. પો. ઈ. જે. જે. વસાવા


પોલીસે માનવતા નેવે મુકી અને મીડિયાએ માનવતા દાખવી


પોલીસે તો માનવતા નેવે મુકી દીધી હતી, પરંતુ એક ગરીબ શ્રમજીવી પરિવારની કફોડી પરિસ્થિતિ જોઈ મીડિયાએ માનવતા  દાખવી હતી. ટ્રાફિક પોલીસે ફ્તાલાલ સામે જેટલી કઠોર કાર્યવાહી થઈ શકે એ તમામ કાર્યવાહી કરી હતી. તેની જીપ સાથે ૨૫ ટેબલ વાસણો કબ્જે કરી ઇપીકો કલમ ૧૮૬ અને ૨૮૩ મુજબ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી. આ સિવાય આરટીઓ નો મેમો પણ આપ્યો હતો. ફ્તાલાલ ની ધરપકડ બાદ તેના જામીન  ના થાય તો તેને સેન્ટ્રલ જેલમાં જવુ પડે. નવાપુરા પોલીસ મથકમાં ફ્તાલાલ અને તેના પરિવારની કફોડી પરિસ્થિતિ જોઈ મીડિયા ના પત્રકારે ફતાલાલને જામીનમુક્ત કરવાની વ્યવસ્થા કરી આપી હતી.


સ્થળ પર પોલીસની શંકાસ્પદ વર્તણુક...


આ સમગ્ર બનાવ માં પોલીસની ભૂમિકા  શરૂઆતથી જ શંકાસ્પદ રહી હતી. સડકો પર થતા  ઘર્ષણ ના બનાવો રેકોર્ડિંગ કરવા પોલીસ વિભાગે ટ્રાફિક શાખાને બોડી કેમેરા આપ્યા છે. પો. ઈ જે.જે. વસાવા સાથે  પોલીસની બોલેરો જીપમાં  હાજર પોલીસ કોન્સ્ટેબલ  પાસે પણ બોડી કેમેરો હતો. જો કે પોલીસ કોન્સ્ટેબલે આ કેમેરો શર્ટ પરથી કાઢી નાખ્યો હતો. બનાવ સ્થળે કોન્સ્ટેબલ કેમેરો હાથમા  લઈને ફરતો હતો. પોલીસ ફરિયાદ માં જણાવ્યા અનુસાર ફ્તાલાલ પોલીસ સાથે  ઝપાઝપી કરતો હતો. જો ફ્તાલાલ પોલીસની સામે થતો હતો તો કેમેરો લગાવી  રાખ્યો હોત તો રેકોર્ડ કરી શકાયું હોત. પરંતુ કેમેરો તો હાથમાં હતો જે પોલીસની ભૂમિકા  સામે સવાલો ઉઠાવે છે.



પોલીસ બીજા દબાણો સામે ધૂતરાષ્ટ્ર કેમ..?

કાશીવિશ્વનાથ મંદિર સામે સડકના કિનારે પેટીયું રળતા શ્રમજીવી પર કાયદાનો ડંડો વિંઝતા ટ્રાફિક પોલીસની અચાનક સક્રિયતા અનેક સવાલો ઉભા કરે છે. જ્યાં ફ્તાલાલ ની જીપ ને પોલીસે સડક પર દબાણ  ગણાવી કાર્યવાહી કરી તેની સામેની બાજુ  સાકડા રોડ પર ખાનગી  ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે અને અહીં લકઝરી બસોનું ગેરકાયદેસર પીકઅપ સ્ટેન્ડ ધમધમે છે. અહીં પોલીસ કમિશનરના રાત્રીના નવ વાગ્યા પહેલા ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનું સરેયામ ઉલ્લંઘન થાય છે. મોતીબાગ ખાતે  જ્યાં ટ્રાફિક શાખા ની ક્રેનો ટુ વહીલર વાહનો ટો કરી લાવે છે તેની બહાર સડકો પર ખાનગી બસોની ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે અને એ પણ પોલીસની નજર સામે. પોલો ગ્રાઉન્ડ ના ફૂટપાથ પર આખી ને આખી  લકઝરી બસ ચઢાવી દેવામાં આવે છે. અહીં સવાલ એ છે કે ટ્રાફિક પોલીસ આ બધા સામે ધૂતરાષ્ટ્ર કેમ બની જાય છે ?


મેઈલ વડોદરાના સવાલ

૧. કઢાઈ મફત આપવાની ના પાડી ફ્તાલાલે શું ગુન્હો કર્યો ?

૨. આ જ રોડ પર થતા અન્ય દબાણો પોલીસની નજરમાં કેમ ના આવ્યા ?

૩. કોન્સ્ટેબલ કહે છે કલાડું લેવા આવ્યા હતા અને પો. ઈ કહે છે ટ્રાફિક નિયંત્રણ કરવા આવ્યા હતા. સાચું કોણ ? કોન્સ્ટેબલ કે પોલીસ ઇન્સ્પેક્ટર...?

૪. ફ્તાલાલે બે કઢાઈ આપી જે પોલીસે પાછી  આપી. વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતી ઘટનાનો ઉલ્લેખ FIR માં કેમ ના કરવામાં આવ્યો ?

૫. કોન્સ્ટેબલે બોડી કેમેરો કેમ કાઢી નાખ્યો ?

૬. કઢાઈ મફત માંગવામાં આવી હોય અને એ રેકોર્ડિંગ ના થાય  એટલે કેમેરો બોડી પરથી કાઢી હાથમા  પકડ્યો હતો ?

Share :

Leave a Comments