- રત્નમ ગ્રુપ સહિત 4 બિલ્ડર ગ્રુપને ત્યાં ITની ટીમોએ કામગીરી હાથ ધરી
- અમદાવાદ, સુરતના આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારી જોડાયા
- કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતા
દિવાળીના તહેવાર પૂર્વે વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ 20થી વધુ જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરતા બિલ્ડર ગ્રુપોમાં ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
મળેલી માહિતી પ્રમાણે શહેરના જાણીતા રત્નમ ગ્રુપ સહિત ચાર બિલ્ડર ગ્રુપ ત્યાં આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ દરોડાની કામગીરી હાથ ઘરી હતી. શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શરૂ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ વુડા સર્કલ પાસે આવેલી ઓફિસ સહિત 20 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા શહેરના હાઈવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં 150થી વધુ અમદાવાદ, સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન બિલ્ડર ગ્રુપો પાસેથી કરોડો રૂપિયાનુ બિન હિસાબી કાળું નાણું ઝડપાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
જાણવા મળ્યા મુજબ, દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી તેમજ બિલ્ડર ગ્રુપ દ્વારા કરવામાં આવેલા જમીનોની ખરીદ-વેચાણ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી રહી છે. સાથે મહત્વના દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધર્યાના અહેવાલો મળી રહ્યા છે. આ દરોડાની કામગીરી મોડીરાત સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું બહાર આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.
વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના નિલેશ શેઠ અને સોનક શાહ સાથે સંકળાયેલા બે મોટાં બિલ્ડર જૂથોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જૂથોને ત્યાં દસ્તાવેજો, હિસાબી વહીવટ, ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઇ છે.
ઉલ્લેખનીય છે કે, દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્કિટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.