- એક તરફ સરકારે નિયત કરેલા ભાવ એટલે કે એસ.ઓ.આર. માં વધારો કરવાની માંગ થઈ રહી છે તો બીજી તરફ ૪૦ ટકા ઓછો ભાવ કેવી રીતે પોષાય ?
- અધિકારીઓ પાસે એ પ્રશ્નનો જવાબ નથી કે, સરકારે એસ.ઓ.આર ખોટો બનાવ્યો છે ?
વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગે રજુ કરેલી દરખાસ્ત વિવાદ નું કેન્દ્ર બની રહી છે. આ દરખાસ્ત માં પાણી વિતરણ અને મેન્ટેનન્સ ના કામ માટે કોન્ટ્રાકટરે ૪૦ ટકા ઓછાના ભાવે કામ કરવાની તૈયારી બતાવી છે. ૪૦ ટકા ઓછાના ભાવે કામ કરવા તૈયાર થયેલા કોન્ટ્રાકટર પાસે ગુણવત્તાની અપેક્ષા કેવી રીતે રાખવી ?
વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે એમાં બે મત નથી. પાલિકાના વહીવટી તંત્ર ની કામગીરી હંમેશા ચર્ચાના કેન્દ્ર માં રહે છે. તાજેતર માં પાણી પુરવઠા વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે એક દરખાસ્ત રજુ કરી છે. આ દરખાસ્ત મુજબ શહેરના ઉત્તર ઝોન અને વોર્ડ નંબર સાત માં પાણી વિતરણ અને મેન્ટેનન્સના કામ માટે મેસર્સ શિવ કન્સ્ટ્રકશને અંદાજે રૂપિયા ૪૫ લાખ ના કામ માટે ૪૦ ટકા કરતાં ઓછાના ભાવે કામ કરવાની તૈયારી બતાવી છે. પાણી પુરવઠા વિભાગની આ દરખાસ્ત વિવાદ નું કેન્દ્ર બની છે. અહીં સવાલો એ ઉઠી રહ્યા છે કે સરકારે નિયત કરેલા ભાવ એટલે કે એસ. ઓ. આર કરતાં ૪૦ ટકા ઓછાના ભાવે કામ કરવાનું કોન્ટ્રાકટરને કેવી રીતે પોષાય ? જો કોન્ટ્રાકટર ૪૦ ટકા ના ઓછા ભાવે ગુણવત્તા સભર કામ કરી શકતા હોય તો સરકારે બનાવેલો એસ. ઓ. આર. ખોટો ગણવો ? આવા સવાલોનો જવાબ જવાબદાર અધિકારીઓ પાસે નથી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે તમને અને અમને જે અજુગતું લાગે છે એમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ને કશું અજુગતું લાગતું નથી.
બીજી તરફ કોંગ્રેસના પાલિકામાં વિરોધ પક્ષ ના નેતા અમી રાવતે સવાલો ઉઠાવ્યા છે.
૪૦ ટકા ઓછાના ભાવે કામ કરવાનું થાય ત્યારે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે અને આ પ્રશ્નો ના જવાબ ના મળે તો ગુણવત્તા ની આશા રાખવી ઠગારી નીવડે એ પણ એક સત્ય છે.