- હિંદુ સંગઠનોએ બેનરો, પોષ્ટરો સાથે રેલી કાઢી, કલેક્ટર કચેરી ખાતે સાક્ષીના હત્યારાને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા
દિલ્હીમાં લવજેહાદનો ભોગ બની સાક્ષીના હત્યારાઓને ફાંસી આપવા તેમજ ગુજરાતમાં "એન્ટી લવ જેહાદ"નો કાયદો લાવવાની માંગ સાથે હિંદુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. હિંદુ સંગઠનોએ બેનરો, પોષ્ટરો સાથે રેલી કાઢી હતી. અને કલેક્ટર કચેરી ખાતે આવી સાક્ષીના હત્યારાને ફાંસીની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
દિલ્હી ખાતે સાક્ષી નામની સગીર વયની હિંદુ દીકરીને તા. 23 મે 2023ના રોજ મુસ્લિમ લવ જેહાદી દ્વારા જાહેરમાં 21 કરતા પણ વધુ છરીના ઘા મારીને તેમજ મોટો પથ્થર માથામાં મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અને હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આજે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ, રાષ્ટ્રિય મહિલા પરિષદ વિગેરે સંગઠનો દ્વારા પોષ્ટરો-બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. અને વડોદરા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિંદુપરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ, રાષ્ટ્રિય મહિલા પરિષદ અને ઓજસ્વિની સંગઠન દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ પણ શ્રદ્ધા નામની હિંદુ દીકરીના શરીરના અનેક ટુકડા કરીને મુસ્લિમ લવ જેહાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ભારતની ગલીઓમાં મુસ્લિમ લવ જેહાદીઓ હિંદુ દીકરીઓને લવ જેહાદમાં ફસાવવા માટે બેફામ બન્યા છે. હિંદુ દીકરીઓની હત્યાઓ કરાઈ રહી છે. અનેક હિંદુ દીકરીઓ લાપતા છે. આ ઘટનાઓ જોતા ભારતમાં હિંદુ દીકરીઓ સુરક્ષિત નથી અને હિંદુ સમાજની દીકરીઓની હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગુનાઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ, રાષ્ટ્રિય મહિલા પરિષદ, ઓજસ્વિની સંગઠન દ્વારા આવેદન પત્ર આપી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને માંગણી કરી હતી કે હિંદુ દીકરીઓની રક્ષા માટે એન્ટી લવ જેહાદનો સખત કાયદો બનાવવામાં આવે અને આવા ગુન્હેગારોને ત્વરિત જાહેરમાં ફાંસીની સજા આપવા માંગણી કરી છે.