- ખેડૂતોના ઉભા પાક જેમાં કપાસ, દિવેલા અને તુવેરના પાકને નુકસાનની પણ ભીતિ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર સહિત જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ એરંડા અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે શહેરના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.
વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણ અચાનક બદલાયું હતું અને હવે ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે. વડોદરા સહિત જિલ્લામાં કાળા ડિબાંગ વાદળાથી આકાશ ઘેરાય ગયું છે. વાતાવરણ બદલાતાની સાથે જ ધીમી ગતિથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા પડ્યા હતા.
શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ચોક્કસથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. પરંતુ ક્યાંકને ક્યાંક વડોદરા જિલ્લાના કરજણ, સાવલી, ડભોઈ, પાદરા અને વાઘોડિયા તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોના ઉભા પાક જેમાં કપાસ, દિવેલા અને તુવેરના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે.