- આરોગ્ય વિભાગની 3 ટીમોના 8 ફૂડ ઇન્સ્પેક્ટરોએ ઓચિંતા દરોડા પાડી, ખોરાક શાખાની 3 ટીમો દ્વારા તપાસ, પામોલીન તેલના નમૂના લેવાયા, 15 કિલો જેટલી ચટણીનો સ્થળ પર નાશ કરાયો
ચોમાસામાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ખોરાક શાખાની 3 ટીમો દ્વારા શહેરના વિવિધ ગંદકીથી ખદબતા સ્લમ વિસ્તારોમાં રહેતા અને પાણી-પુરી બનાવીને વેચતા વિક્રેતાઓના ઘરોમાં ચેકીંગ હાથ ધર્યું હતુ. ચેકીંગ દરમિયાન ટીમો દ્વારા 200 કિલો જેટલા સળેલા બટાકા, 50 કિલો જેટલા ચણા, 50 કિલો પૂરી બનાવવાનો લોટ અને 25 લિટર જેટલી ચટણીનો સ્થળ પર નાશ કર્યો હતો. ઉપરાંત પૂરી તરવા માટે વપરાતા તેલના પણ નમૂના લીધા હતા. તે સાથે વિક્રેતાઓને શિડ્યુલ-4 મુજબ નોટિસો ફટકારવામાં આવી હતી. પાણી-પૂરી બનાવી વેચાણ કરતા વિક્રેતાઓની ત્યાં ખોરાક શાખાની ટીમોએ સામુહિક કાર્યવાહી હાથ ધરતા વિક્રેતાઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં 400 જેટલા પાણી-પૂરીના વિક્રેતાઓ છે. 90 ટકા પાણી-પૂરીના વિક્રેતા ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં રહે છે. અને ગંદકી વચ્ચે જ પાણી-પૂરી બનાવે છે. અને રોજ સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ઉભી કરીને વેચાણ કરે છે. નવાઇની વાત તો એ છે કે, પાણી-પૂરી ખાવાના શોખિન તેમાંય ખાસ કરીને મહિલાઓ બિન્દાસ્ત રીતે લારીઓ ઉપર ઉભા રહીને પાણી-પૂરીનો ચટાકો કરે છે. સ્લમ વિસ્તારમાં પાણી-પૂરી બનાવની વેચનારા પૂરીમાં મસાલો નાંખવા માટે સળેલા બટાકા અને સળેલા ચણાનો ઉપયોગ કરતા હોય છે. આજે પાલિકાની ખોરાક શાખા દ્વારા મોટા પ્રમાણમાં જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ વડા ડો. દેવેશ પટેલ અને ડો. મુકેશ વૈદ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળે આરોગ્ય વિભાગની ખોરાક શાખાની 3 ટીમોના 8 ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ ઉકાજીના વાડીયા, ખોડીયારનગર બ્રહ્માનગર-1 અને 2 તેમજ સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી-પૂરી બનાવીને વિવિધ વિસ્તારોમાં સાંજ પડતા લારીઓ ઉપર વેચાણ કરનાર વિક્રેતાઓના નિવાસ સ્થાનો ઉપર કુલ 8 ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમોએ ઓચિંતા દરોડા પાડી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ત્રણ વિસ્તારમાંથી ખોરાક શાખાની ટીમોએ 200 કિલો જેટલા બાફેલા સળી ગયેલા અખાદ્ય બટાકા, 50 કિલો જેટલા સળેલા ચણા, 50 કિલો જેટલો પૂરી બનાવવામાં માટે ઉપયોગમાં લેવાતો ભેળસેળયુક્ત 50 કિલો જેટલો લોટનો સ્થળ પર નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત બ્રહ્માનગર 1 અને 2 માં 15 કિલો જેટલી ચટણીનો નાશ કરાવ્યો હતો. તે સાથે પૂરી તરવા માટે ઉપયોગમાં લેવાતું પામોલીન તેલનો નમૂનો લઇ તપાસ માટે મોકલી આપ્યો હતો.
ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, ઉકાજીના વાડીયામાં 15 જેટલા પાણી-પૂરી વિક્રેતાઓની ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને અખાદ્ય બટાકા-ચણા અને લોટ સહિતનો સામાન નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ખોડીયાર નગર બ્રહ્રાનગર 1 અને 2 માં ચેકીંગ કરનાર ટીમના વિરોનીકાબહેન નિસરતાએ જણાવ્યું હતું કે, 18 પાણી-પૂરી વિક્રેતાઓની ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને 15 લિટર ઉપરાંત ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તે સાથે પૂરી બનાવવા માટે વાપરતા તેલના નમૂના લઇ પૃથ કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, પાણી-પૂરી બનાવીને સાંજ થતાં વેચાણ માટે નીકળતા વિક્રેતાઓ જ્યાં રહે છે અને પાણી-પૂરી બનાવે છે તે વાઘોડિયા રોડ ઉકાજીનું વાડીયું, પરશુરામ ભઠ્ઠા, ખોડીયારનગર બ્રહ્માનગર 1 અને 2 વિસ્તાર અત્યંત સ્લમ વિસ્તારો છે. ચારે બાજુ ગંદકી ખદબદતી હોય છે. પાણી ભેરલું હોય છે. આ વિસ્તારમાં જવું પણ મુશ્કેલ છે. તેવા વિસ્તારોમાં બનતી અને વેચાતી પાણી-પૂરી શહેરીજનો બિદાસ્ત રીતે ટેસથી આરોગતા હોય છે.
નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેરમાં બારેમાસ પાણી-પૂરીનું મોટા પાયે વેચાણ થાય છે અને આ વ્યવસાય સાથે મોટા ભાગે પરપ્રાંતીયો સંકળાયેલા છે. પરંતુ, કોર્પોરેશન દ્વારા માત્ર સમયાંતરે પોતાની ઇચ્છા થાય ત્યારે કામગીરી બતાવવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતીમાં રોગચાળાનો પ્રશ્ન ઉઠતા સફાળી જાગેલી પાલિકાની ખોરાક શાખાની ટીમે આજે કાર્યવાહી કરી હતી.