વડોદરામાં 22 મોબાઇલની ચોરીમાં સંડોવાયેલો રીઢો ચોર ઝડપાયો, ત્રણ મોબાઇલ કબ્જે કર્યાં

રણોલી રેલ્વે સ્ટેશન નજીક આવેલી મોબાઈલની દુકાનમાંથી તસ્કરોએ 54,047ની કિંમતના 22 નંગ મોબાઈલ ફોનની ચોરી કરી હતી

MailVadodara.com - Habitual-thief-involved-in-theft-of-22-mobiles-caught-in-Vadodara-three-mobiles-seized

વડોદરા શહેર નજીક રણોલી રેલ્વે સ્ટેશન પાસે મોબાઇલની દુકાનમાંથી 22 મોબાઈલની ચોરીના કિસ્સામાં એક રીઢા ચોરને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના પદમલા ખાતે રહેતા નરેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર રણોલી રેલ્વે સ્ટેશન ખાતે રાજસ્થાન હોટલની સામે હર્ષ મોબાઈલ નામની દુકાન ધરાવે છે. 7 ઓગસ્ટના રોજ તેઓ રાબેતા મુજબ પોતાની દુકાનને લોક કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે શટર ખોલી જોતા દુકાનની છતનું પતરું કાપી અજાણ્યા તસ્કરો અલગ-અલગ કંપનીના રૂપિયા 54,047ની કિંમતના 22 નંગ મોબાઈલ ફોન ચોરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુનાની તપાસ ચલાવી રહેલ જવાહરનગર પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ આરોપી મિતેશ હસમુખલાલ સોલંકી (રહે-ભાઈલાલભાઈની ચાલી, રણોલી સ્ટેશન પાસે)ને રણોલી ગામ તલાવડી પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share :

Leave a Comments