મહારાષ્ટ્રીય સમાજના ગુડી પડવાથી શરૂ થયેલા નવા વર્ષની વડોદરા શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી થઇ હતી.
સંસ્કારી નગરી વડોદરામાં દરેક ઉત્સવોની ઉજવણી શ્રદ્ધા અને ઉમંગભેર કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજના ગુડી પડવાથી નવા વર્ષનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પરંપરાગત ઘરના આંગણે ગુડી બનાવીને પૂજા-અર્ચના કરવા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.
ચૈત્ર સુદ એકમએ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવતા હોય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને આંધ્રપ્રદેશમાં ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે ઉગાડી, ચેટીચંદ જેવા નામોથી પણ ઓળખાય છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે અને હિંદુ નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. આજ ગુડી પડવાથી મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષનો અને આવતી કાલ તા.23 માર્ચથી સિંધી સમાજના નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુડી પાડવા વિશે બીજી ઘણી બાબતો પ્રચલિત છે.
કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સત્યયુગની શરૂઆત થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ, નારાયણ અવતાર, ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના આતંકમાંથી મુક્ત કર્યા હતા.