વડોદરામાં લોન ભરપાઈ ન કરનાર સરકારી કર્મચારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

કોર્ટે આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે 1.69 લાખ 60 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો

MailVadodara.com - Government-employee-who-defaulted-on-loan-in-Vadodara-gets-one-year-imprisonment-in-check-return-case

શહેરના કોઠી પાસેની સરકારી પ્રેસના કર્મચારીએ પર્સનલ લોન લીધા બાદ તેની વ્યાજ સહિતની રકમ ભરપાઈ ન કરી તે અંગેના ચેક રીટર્ન અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ફરિયાદી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સાદી કેદ અને વળતર પેટે 1.69 લાખની રકમ ચૂકવવા હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ફરિયાદી કે.એમ. સર્વિસના પ્રોપરાઇટર મિતેશ પ્રભાકરાવ ગોડસે નાણાં ધીરધારના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે આરોપી મનોજ મધુકર મુલહેરકર (રહે-બ્રહ્મપુરી, મહારાષ્ટ્ર રેસ્ટોરન્ટની પાછળ, દાંડિયાબજાર)ને નિયમનુસાર સંસ્થામાંથી એક લાખની લોન આપી હતી. લોન લીધા બાદ વ્યાજની કોઈ રકમ ન ભરી ત્રણ માસની મુદત બાદ પણ મુદ્દલ જમા કરાવી ન હતી. જે અંગેના 1.69 લાખના ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયા હતા. જેથી ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબનો ગુનો દાખલ થયો હતો. જેની સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એન.કે. પટેલ અને બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી ડી.આર. મકવાણાએ દલીલો કરી હતી. 

બંને પક્ષોની દલીલો બાદ એડિ. ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ કુ. ઉર્મિલા મનુભાઈ આહીરએ નોંધ્યું હતું કે, આ ગુનામાં આરોપી તકસીરવાન ઠર્યા છે. આવા ગુનાઓમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા પામી છે. આરોપીએ ફરિયાદીને આપેલ ચેક સિગ્નેચર ડીફરના કારણે પરત ફર્યો છે. જે તમામ સંજોગો જોતા આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે 1.69 લાખ 60 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે.

Share :

Leave a Comments