- ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં, પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
- પોલીસ જવાનના અકસ્માતમાં થયેલા મોતથી પોલીસબેડામાં ગમગીની ફેલાઇ
વડોદરાના ભાયલી-સન ફાર્મા રોડ ઉપરથી મોપેડ લઇને પસાર થઇ રહેલા ગોત્રી પોલીસ મથકના જવાનનું ડમ્પરની નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ડમ્પર નીચે આવી ગયેલા પોલીસ જવાનને ડમ્પર દૂર સુધી ખેંચી ગયું હતું. હિટ એન્ડ રનની આ કમકમાટીભરી ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ બનાવે ગોત્રી પોલીસ મથક સહિત સમગ્ર શહેર પોલીસતંત્રમાં ગમગીની ફેલાવી દીધી હતી.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના ગોત્રી પોલીસ મથકમાં લાલભા ભાવસંગભાઇ રાઠોડ (ઉ.વ.34, રહે. સી-201, ક્રિષ્ણા મેરેડિયન, ભાયલી, વડોદરા. મૂળ રહે. સુરેન્દ્રનગર) ફરજ બજાવે છે. ગઇકાલ સાંજે તેઓ પોતાની મોપેડ લઈને ભાયલી-સન ફાર્મા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન માતેલા સાંઢની જેમ પાછળથી આવી રહેલા ડમ્પરચાલકે તેમને અડફેટે લીધા હતા. મોપેડચાલક ડમ્પરના તોતિંગ પૈડાં નીચે આવી જતાં ડમ્પર તેમને દૂર સુધી ખેંચી ગયું હતું. વાહનોથી ધમધમતા રોડ ઉપર આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે લોકો ઘટનાસ્થળ પાસે આવી પહોંચે એ પહેલાં ડમ્પરચાલક ફરાર થઇ ગયો હતો.
આ બનાવની જાણ ગોત્રી પોલીસ અને તાલુકા પોલીસને થતાં પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. એ સાથે 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ બનાવને પગલે રોડ ઉપરનો ટ્રાફિક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપયો હતો. એ સાથે પોલીસે ડમ્પરચાલકની શોધખોળ કરી રહી છે.
બીજી બાજુ બનાવ અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. એ સાથે જ પોલીસ જવાન લાલભા રાઠોડના અકસ્માતમાં નીપજેલા મોતે ગોત્રી પોલીસ મથકના સાથી કર્મચારીઓ સહિત શહેરના પોલીસતંત્રમાં ગમગીની ફેલાવી દીધી હતી. ગઇકાલે સમી સાંજે બનેલા બનાવ CCTVમાં કેદ થઈ ગયો હતો. આ CCTV ફૂટેજ ઝડપભેર મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રોગતિમાન કર્યાં છે. આ બનાવે ઘટનાસ્થળ વિસ્તાર તેમજ શહેર પોલીસતંત્રમાં ચકચાર જગાવી મૂકી હતી.