વડોદરામાં જુગાર રમતા સમયે ધીંગાણું : 20થી વધુ વાહનોની તોડફોડ, ચાર ઘાયલ, સામસામે ફરિયાદ

વાહનોને નુકસાન પહોંચતા ટોળાએ બુટલેગરના ભાઈના મકાનને નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું

MailVadodara.com - Gambling-rampage-in-Vadodara-Over-20-vehicles-vandalized-four-injured-face-to-face-complaint

- નાગરવાડાના નામચીન બુટલેગર દિલીપ મકવાણા અને ફતેપુરાના એક શખ્સ વચ્ચે ઝઘડો થયા બાદ બંને જૂથો વચ્ચે અથડામણ

શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમતા સમયે મારામારીની ઘટના સામે આવી છે. આ વિસ્તારના નામચીન બુટલેગર દિલીપ મકવાણા અને ફતેપુરાના એક શખ્સ વચ્ચે ઝઘડો થયા બાદ બંને પક્ષોના ટોળાએ વાહનો તથા ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ કાઠીયાવાડી ચાલી અને રાણાવાસ વચ્ચે મારામારીના બનાવો નોંધાયા છે.

વડોદરા શહેરના નાગરવાડા સ્થિત નવીધરતી વિસ્તારમાં ગત મોડીરાત્રે જુગાર રમતા સમયે ધીંગાણું સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડીરાત્રે નાગરવાડા નવીધરતી ચોક બળીયાદેવ મહારાજના મંદિર પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. તે સમયે નામચીન બુટલેગર દિલીપ મકવાણાને ધક્કો વાગતા દિલીપએ ફતેપુરા ખાતે રહેતા શખ્સને અપશબ્દો બોલ્યા હતા. જેથી સામે ઉશ્કેરાયેલ શખ્સે દિલીપને લાફો ઝીંકી દીધો હતો. જેના પડઘા પડતા કાઠીયાવાડી ચાલમાંથી ઘસી આવેલ ટોળાએ બળીયાદેવ મહારાજના મંદિરની આસપાસ પાર્ક કરેલ છોટાહાથી ટેમ્પો, કાર, બાઈક, સહિતના વાહનોને પથ્થરો મારી નુકસાન પહોંચાડ્યું હતું. તો સામાપક્ષના ટોળાએ દિલીપ મકવાણાના ભાઈ વિક્રમ મકવાણાનું મકાન બળીયાદેવ મહારાજના મંદિર પાસે આવેલ હોય તેમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. 

આ હુમલામાં વિકાસ, દિલીપ સહિત ચાર શખ્સોને નાની વતી ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે કારેલીબાગ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને પરિસ્થિતિ થાળે પાડી હતી. તો બીજી તરફ પોતાના વાહનોને નુકસાન થતાં લોકોનું ટોળું વાહનો સાથે કારેલીબાગ પોલીસ મથકે ઘસી ગયું હતું. હાલ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments