વાઘોડિયામાં મસાલાની ડિલીવરી કરવા ગયેલા સેલ્સમેનના ટેમ્પોમાંથી રૂા. 1.17 લાખની ચોરી

મસાલાની ડિલીવરી કરી પરત ફરેલા સેલ્સમેને ટેમ્પોમાં પાકીટ ન જાેતા ચોંકી ઊઠ્યાં

MailVadodara.com - From-the-tempo-of-a-salesman-who-went-to-deliver-spices-in-Waghodia-Rs-1-17-lakh-stolen

- વાઘોડિયા પોલીસે રોકડની ચોરી કરનાર ચોરને ઝડપી પાડવા માટે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી, જોકે, હજુ સુધી ચોરના કોઇ સગડ મળ્યા નથી

વાઘોડિયામાં મસાલાના ઓર્ડર લેવા માટે ગયેલા મસાલાના સેલ્સમેનના ટેમ્પોના કેબિનમાંથી કોઇ ગઠીયો રૂપિયા 1.25 લાખ રોકડ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. સેલ્સમેને આ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઓર્ડર અને ડિલીવરીનું કામ

વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરાના મકરપુરા રેલવે સ્ટેશન પાસે આવેલ તુલસીગ્રીન સોસાયટીમાં રોનકભાઇ અમરતભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને રણછોડરાય મસાલા કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેઓ વાઘોડિયા સહિત જિલ્લાના વિવિધ ગામોમાં આવેલી નાની-મોટી દુકાનોમાં મસાલાના ઓર્ડર લેવાનું તેમજ મસાલાની ડિલીવરી કરવાનું કામ કરે છે.

રોનકભાઇ પટેલ વાઘોડિયામાં આવેલી દુકાનોમાંથી મસાલાના લીધેલા ઓર્ડર મુજબ તા.28 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયામાં મસાલાની ડિલીવરી આપવા માટે ગયા હતા. એક પછી એક દુકાનોમાં મસાલાની ડિલીવરી આપવા સાથે તેઓ દુકાનદારો પાસેથી બીલના નાણાં પણ લેતા હતા. 

બપોરના સમયે તેઓ વાઘોડિયાના લાયબ્રેરી પાસે આવેલી ન્યુ પ્રોવિઝન સ્ટોરમાં ઓર્ડર પ્રમાણે મસાલાની ડિલીવરી આપી હતી અને ચેક લેવા માટે ગયા હતા. આ દરમિયાન મસાલા મુકેલા ટેમ્પોના કેબિનમાં એક પાકિટ કોઇ ગઠીયો ચોરી ગયો હતો. પાકિટમાં કલેક્શનના રૂપિયા 1,17,971 હતા. દુકાનમાંથી ચેક લઇ પરત ફરેલા સેલ્સમેન રોનકભાઇ પટેલે ટેમ્પોના કેબિનમાં પાકીટ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેઓએ આ બનાવ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વાઘોડિયાના ભરબજારમાં લાયબ્રેરી પાસે પાર્ક કરેલા ટેમ્પોના કેબિનમાંથી રૂપિયા મુકેલા પર્સની ચોરી થતાં બજારમાં ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસે ટેમ્પોમાંથી રોકડની ચોરી કરી રફૂચક્કર થનાર ચોરને ઝડપી પાડવા માટે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને હજુ સુધી ચોરના કોઇ સગડ મળ્યા નથી.

Share :

Leave a Comments