MSUમાં વાઇસ ચાન્સેલરનો ઘેરાવ કરતાં વિદ્યાર્થી સંગઠન ABVP અને વિજીલન્સ વચ્ચે ઘર્ષણ

VC લાપતાના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પોસ્ટર્સ લગાવ્યા હતા

MailVadodara.com - Friction-between-student-organization-ABVP-and-Vigilance-surrounded-by-Vice-Chancellor-in-MSU

- ધોમધખતા તાપમાં ધરણાં ઉપર બેઠેલી વિદ્યાર્થિની બેભાન થતા હોસ્પિટલમાં ખસેડાઇ

- સિક્યોરિટી અને વિજિલન્સની ઓફિસમાં તોડફોડ કરી રહેલા વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું, એક વિદ્યાર્થીને પગમાં ઇજા પહોંચી હતી


વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર (VC)ની જીદના પગલે ABVP દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા VC લાપતાના યુનિવર્સિટી કેમ્પસમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. તે સાથે હેડ ઓફિસ ખાતે ધરણાં પર બેઠા હતા. વિદ્યાર્થી સંગઠને સિક્યોરિટી અને વિજિલન્સની ઓફિસમાં તોડફોડ કરી હતી. વિદ્યાર્થી સંગઠન દ્વારા VCનો ઘેરાવ કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન અને યુનિવર્સિટી વિજીલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી. જ્યારે એક વિદ્યાર્થિની બેભાન થઇ ગઇ હતી. બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તા.18 માર્ચના રોજ યોજાનાર કોન્વોકેશન પૂર્વે ગત વર્ષના નાણાં પરત કરવા અથવા માર્કશીટ આપવાની માંગને લઇ આંદોલન ચાલી રહ્યું છે.


અવાર-નવાર વિવાદોમાં રહેતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વોકેશન પૂર્વે વિદ્યાર્થીઓ પાસેથી ગત વર્ષે સ્કાફ અને ફોલ્ડરના નામે લીધેલા રૂપિયા 500 પરત કરવા અથવા માર્કશીટ્સ આપવાની માંગ લઇને આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ, વાઇસ ચાન્સેલર દ્વારા કોઇ દાદ આપવામાં ન આવતા ABVPના આંદોલને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ લાપતા હોવાના યુનિવર્સિટી કેમ્પસમાં પોસ્ટર્સ લગાવ્યા હતા.


બીજી બાજુ ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હેડ ઓફિસની બહાર ગરમી વચ્ચે કેસરીયા ધજા-પતાકા સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા. તો એક જૂથ સિક્યોરિટીની અને બીજુ જૂથ વિજિલન્સની ઓફિસમાં ધસી જઈને તોડફોડ કરી હતી. વિદ્યાર્થી સંગઠન દ્વારા તોડફોડ કરવામાં આવતા યુનિવર્સિટીની વિજીલન્સ ટીમ દોડી આવી હતી અને તોડફોડ કરી રહેલા વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. ઘર્ષણમાં એક વિદ્યાર્થીને પગમાં ઇજા પહોંચી હતી.

ABVP દ્વારા સિન્ડિકેટ બેઠકમાં જઇ રહેલા વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તે સમયે વિદ્યાર્થી સંગઠન અને યુનિવર્સિટી વિજિલન્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણમાં એક વિદ્યાર્થી ઋષિક મકવાણાને ઇજા થઈ હતી. તો બીજી બાજુ ધોમધખતા તાપમાં ધરણાં ઉપર બેઠેલી વિદ્યાર્થિની એકતા કપુર બેભાન થઈ ગઈ હતી. બંને વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા.


ABVPના વિદ્યાર્થી અગ્રણી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓની પડતર માંગણીઓ તેમજ ગત વર્ષની બાકી રહેલી માર્કશીટ્સ આપવા અથવા 30 હજાર વિદ્યાર્થીઓ પાસેથી સ્કાફ અને ફોલ્ડર માટે લીધેલા રૂપિયા 500 પરત કરવા માટે માંગણી કરી રહ્યા છે. પરંતુ, વાઇસ ચાન્સેલર દ્વારા કોઇ જવાબ આપવામાં આવતો નથી. બે દિવસ પૂર્વે વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીની અનુષ્કાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સંગઠન દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં માર્કશીટ્સ અથવા 500 રૂપિયા પરત આપવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ત્યારે વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, એક લિંક આપવામાં આવશે. પરંતુ, 48 કલાકનો સમય વિતી ગયા હોવા છતાં, કોઇ લિંક આપવામાં આવી નથી. અને VC મળી રહ્યા નથી. VC લાપતા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે.


આજે સિન્ડિકેટની બેઠક હોવાથી સિન્ડિકેટ સભ્યો હિતેન્દ્ર પટેલ, મયંક પટેલે પણ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની માંગણી વ્યાજબી છે. આજની બેઠકમાં વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે VC પાસે જવાબ માંગવામાં આવશે. આગામી તા.18 માર્ચના રોજ પદવીદાન સમારોહ યોજાવાનો છે. ત્યારે ગત વર્ષનો વિદ્યાર્થીઓનો પ્રશ્ન હલ ન થાય તે યોગ્ય નથી.

વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 50 ટકા ઉપરાંત માર્કશીટ્સ તૈયાર થઇ ગઇ છે. આગામી ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. હું કાયમ ઓફિસમાં આવું છું અને સિન્ડિકેટ બેઠકમાં પણ અચૂક હાજર રહું છું. વિદ્યાર્થીઓ દ્વારા VC લાપતાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા તે યોગ્ય નથી.

Share :

Leave a Comments