- અંકોડિયા સ્થિત ઉટોપિયન કોર્નર નામની રહેણાંક મકાનોની સ્કીમમાં મહિલા ગ્રાહકે રૂપિયા 1.27 કરોડમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા
શહેરના અંકોડિયા ખાતે ઉટોપિયન કોર્નર નામની રહેણાંક મકાનોની સ્કીમ લોન્ચ કરી ગ્રાહક પાસે ફ્લેટ બુકીંગના નામે રૂપિયા 1.27 કરોડની રકમ લઇ દસ્તાવેજ કરી ન આપનાર વધુ એક બિલ્ડર સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. ઇન્ટીરીયલ ડિઝાઇનરનું કામ કરતી મહિલાની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે બિલ્ડર સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા ગ્રાહકના બંને ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી મારી મહિલાની બોગસ સહી વડે બાનાખત રદ કરાવી, બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરનાર કોર્નર પોઇન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર અને બિલ્ડર મેહુલ દિલીપભાઈ પંડ્યા વિરુદ્ધ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરમાં ઇન્ટિરીયર ડિઝાઈનર તરીકે વ્યવસાય કરતા ઋતુબેન મિહીરભાઈ પંચાલ સેવાસી-અકોડિયા રોડ પર આવેલ એન્ટીકા ગ્રીનવુડ્સમાં પરિવાર સાથે રહે છે. વર્ષ 2019માં કોર્નર પોઇન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીના ડાયરેક્ટર મેહુલભાઇ દિલીપભાઇ પંડ્યાએ અંકોડીયા ખાતે ઉટોપીયન કોર્નર નામની રહેણાંક મકાનોની સ્કીમ મૂકી હતી. જે સ્કીમમાં ઋતુબહેને ટાવર-ઇમાં ફ્લેટ નંબર-પીઇ-4 તથા ફલેટ નંબર-પીઇ-37નો એક ફ્લેટની જંત્રી પ્રમાણે 40 લાખ અને વેલ્યુએશન 90 લાખમાં નક્કી કરી બે ફ્લેટના રૂપિયા 1.80 કરોડમાં વેચાણે લેવા નક્કી કર્યું હતું. આ બંને ફ્લેટ પેટે રૂ. 1 લાખના બે ચેકો મળી કુલ 2 લાખ આપ્યા હતા. તે સાથે તેમના પિતા રાજેન્દ્રભાઇ ગણાત્રાના નામથી મેહુલભાઇ પંડ્યાની સેવાસી ખાતે બીજી હેરીટેજ કોર્નર નામની રહેણાંક ફ્લેટોની સ્કીમમાં ફ્લેટ નંબર-33 વર્ષ 2012માં બુક કરાવ્યો હતો. જે પેટે રોકડા રૂપિયા 1.25 કરોડ આપ્યા હતા. અને બે વર્ષમાં ફ્લેટનું બાંધકામ પૂર્ણ કરી દસ્તાવેજની ખાતરી આપી હતી. પરંતુ મારા પિતાને બાંધકામ પૂર્ણ ન કરી ફ્લેટનો દસ્તાવેજ સમયસર કરી આપ્યો ન હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બુક કરાવેલ ફ્લેટના દસ્તાવેજ સમયસર કરી આપ્યા ન હોવાથી ઋતુબહેનના પિતા રાજેન્દ્રભાઇ અને મેહુલભાઇ પંડ્યા વચ્ચે વર્ષ 2018માં સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ થયું હતુ. જેમાં મેહુલભાઇ પંડ્યાએ મારા પિતા રાજેન્દ્રભાઇને નુકશાની સાથે કુલ 2.05 કરોડ ત્રણ વર્ષમાં આપવાનું નક્કી કરી વિશ્વાસ આપ્યો હતો. પરંતુ ફ્લેટનો દસ્તાવેજ અથવા નાણાં પરત આપ્યા ન હતા. જેથી તેના બદલામાં મારા પિતા રાજેન્દ્રભાઇએ ઋતુબહેનના નામથી ઉટોપિયન કોર્નર નામની સ્કીમમાં ફ્લેટ નંબર-પીઇ 4 અને ફ્લેટ નંબર-પીઇ 7માં આ રકમ સરભર કરવા કરવા મૌખિક વાતચીત થઈ હતી. ત્યારબાદ બંને ફ્લેટો પેટે બાકી રકમ રૂ.78 લાખ પણ ચૂકવી હતી. પરંતુ ફ્લેટોનું બાંધકામ પૂર્ણ ન કરી દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ દરમિયાન મકાનોનો ગોરવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઇ રજિસ્ટર બાનાખત કરવામાં આવ્યો હતો. દિવસો દરમિયાન પિતાનું નિધન થયું હતું અને આ બિલ્ડર દ્વારા દસ્તાવેજ અને ફ્લેટની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવી ન હતી.
અદાલતમાં દાવો માંડતા હેરિટેજ કોર્નરમાં મારા પિતાજીને આપેલ ફ્લેટનો અન્ય વ્યક્તિને પણ બાનાખત કરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને મારા નામથી બુક કરાવેલ ફ્લેટનો ટેક્સ ભર્યો ન હોય વડોદરા સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા તે ફ્લેટ ટાંચમાં લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સાઈટ ખાતે જઈ તપાસ કરતા અમે ખરીદેલ બંને ફ્લેટના તાળા બિલ્ડર મેહુલ પંડ્યાએ તોડી અન્ય વ્યક્તિને વેચાણ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગોરવા સબ રજીસ્ટરની કચેરીએ તપાસ કરતા બિલ્ડર મેહુલ પંડ્યાએ મારી ખોટી સહી કરી બાનાખત કરાર રદ કરાવી દીધો હતો.