- જેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી
રાજ્યભરની જેલોમાં ગૃહ વિભાગ દ્વારા છાપામારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા જેલમાં ચેકિંગ દરમિયાન બીડી, સિગારેટ અને ગુટખા મળ્યાં હતાં. ચેકિંગ પૂર્ણ થયે તમામ જેલના ચેકિંગનો ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી ગૃહમંત્રીને મોકલાશે.
રાજ્યભરની જેલોમાં ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 3 દિવસ અગાઉ અમદાવાદની સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારબાદ શુક્રવારે રાતે વડોદરા જેલમાં 100 જેટલા પોલીસ કર્મી સાથે ઉચ્ચ અધિકારીઓએ ઓચિંતો દરોડો પાડ્યો હતો. જેમાં બીડી-સિગારેટ-ગુટકા મળ્યા હતા. બીજી તરફ મોડી મહિલા પોલીસને બોલાવીને મહિલા બેરેકોની તપાસ હાથ ધરાઈ હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સાંજે વીડિયો કોન્ફરન્સથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાને જેલમાં કાફલા સાથે દરોડો પાડવા અને ખૂણેખૂણે ચેકિંગ કરવા સૂચના આપી હતી અને અત્યંત ગુપ્ત રીતે તૈયારી કરવા સૂચના આપી હતી. અધિકારીઓના ફોન લઈ લેવાયા હતા. દરોડામાં કેટલાક કર્મીને બોડી વોર્ન કેમેરા સાથે પહોંચવા સૂચના અપાઈ હતી. અધિકારીઓ- કર્મીના કાફલાએ મોડી રાતે પહોંચી ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી વહેલી સવાર સુધી ચાલે તેવી શક્યતા છે. દરોડામાં બીડી-સિગારેટ-ગુટકા, છૂટી તમાકુ અને બીડી બનાવવા માટેનાં સૂકાં પાંદડાં મળ્યાં હતાં. જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના વારંવાર બને છે ત્યારે કેદી વચ્ચે બે જૂથ હોવાનું બહાર આવ્યું હતું. અત્રેની જેલમાં અગાઉ અજ્જુ કાણિયાની હત્યા પણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ તપાસમાં વડોદરા પોલીસના તમામ સિનિયર અધિકારી જોડાયા હતા. જેલની તપાસમાં DCP કક્ષાના 5 અધિકારી સાથે પોલીસ કાફલો જોડાયો હતો. વડોદરા જેલની 12 યાર્ડમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ હાઈસિક્યુરિટી ઝોનવાળી તમામ બેરેકમાં પણ તપાસ કરવમાં આવી હતી. આ ઉપરાંત મહિલા કેદી સહિત 1700 કેદીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સિગરેટ, બીડી અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી. બોમ્બ સ્ક્વોડના આધુનિક સર્ચ સાધનોની મદદથી સર્ચ કરાયું હતું.
અત્રેની સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ પૈકી કેટલાકને વીઆઇપી સગવડો અપાતી હોવાની ફરિયાદ લાંબા સમયથી ઊઠી હતી. જેલ કર્મીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી જેલમાં માગો તે વસ્તુ ઉપલબ્ધ કરાવી આપતા હતા. મોબાઈલ ફોનથી માંડી બીડી-સિગારેટ, તમાકુ, ગુટકા અને દારૂ પણ જેલમાં મળી રહેતો હતો.