- ત્રણ દુકાનોમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટાથી બજાર ઢંકાઇ ગયું, સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાયો, બજાર તરફના રસ્તા બંધ કરાયા
વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે નવાબજારના કોર્નર ઉપર આવેલા કાપડની ત્રણ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાપડની દુકાનોમાં આગ ફાટી નીકળતા બજારમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાની સાથે જ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને પાણીમારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો સમયસર આગ કાબુમાં આવી ન હોત આખું નવાબજાર ખાક થઇ ગયું હોત.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાની મધ્યમાં આવેલા નવાબજારમાં કાપડ, હાર્ડવેર, ખેતીના ઓજારો સહિત વિવિધ ચિજવસ્તુઓની દુકાનોની દુકાનો-શોરૂમો આવેલા છે. નવાબજાર ચણીયા ચોળી માટેનું પણ મોટું બજાર છે. નવરાત્રીમાં આ બજારમાં અભૂતપૂર્વ ધસારો રહે છે. તેવા આ નવાબજારમાં ચાંપાનેર દરવાજા તરફથી અંદર જવાના કોર્નર ઉપર કાપડની દુકાનો આવેલી છે. જે દુકાનો પૈકી શંખેશ્વર ટ્રેડીંગ કંપની, શ્રી ગણેશ રેડીમેડ સ્ટોર અને શ્રી મણીભાઇ દયાભાઇ નામની કપડાંની ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળતા બજારમાં અફરા-તફરી મચી ગઇ હતી.
નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળતા જ દાંડિયા બજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો દોડી ગયા હતા અને પાણીમારો શરૂ કરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધી કરી દીધો હતો. તે સાથે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો.
નવાબજારમાં આગ લાગતાજ બજારના વેપારીઓ, કર્મચારીઓ સહિત આસપાસમાં આવેલી પોળોના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ દ્વારા કામગીરીમાં અડચણ ઉભી ન થાય તે માટે ટોળાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ચાંપાનેરથી નવાબજારમાં જવાનો તેમજ અમદાવાદી પોળ તરફથી નવાબજારમાં જવાનો ઉપરાંત નવાબજારમાં જવાના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
નવાબજારમાં કાપડની ત્રણ દુકાનોમાં આગ લાગી હોઇ, અને આગ મોટી હોવાના કારણે ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ સ્થળ પર દોડી ગયા હતા. અને લાશ્કરોને જરૂરી સુચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાપડની ત્રણ દુકાનમાં આગ લાગી છે. આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઇ જાનહાની થઇ નથી. આગ વધુ પ્રસરે તે પહેલાંજ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તપાસ બાદ ખબર પડશે. આગને કાબુમાં લેવા માટે દાંડિયાબજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો.
નવાબજારમાં કાપડની ત્રણ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચાર નવનિયુક્ત મેયર નિલેષ રાઠેડોને થતાં તેઓ શુભેચ્છા આપવા માટે આવેલા લોકોની શુભેચ્છા સ્વિકાર કર્યા વગર નવાબજાર ખાતે દોડી ગયા હતા. અને વડોદરાના પ્રથમ નાગરીક તરીકેની ફરજ બજાવી હતી. મેયર નવાબજારમાં પહોંચતા વેપારીઓએ તેઓને હસ્તધનૂન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.