- બનાવમાં કોઈને જાનહાનિ થઇ નથી, જોકે આગનું કારણ જાણી શકાયું નથી
વડોદરા નજીક રતનપુરમાં પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ બનાવ પ્લાસ્ટિક કંપનીમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવને લઇ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેવાને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમો પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં મેળવવામાં સફળતા મળી હતી.
વડોદરા શહેર નજીક ડભોઇ રોડ પર રતનપુર પાસે અક્ષર સિટી નજીકના જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 7માં ધ્રુમિલ ફાઇબર એન્ડ ફેબ્રિકેશનમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિક-ફાઇબરનાં પતરાંની ફેક્ટરીમાં જંગી રો-મટિરિયલ અને ફાઇબરની શીટ હોવાથી આગ ભીષણ બની હતી. ફાઇબર-પ્લાસ્ટિકનાં પતરાં બનાવવાની ફેક્ટરીમાં 4થી 5 ટન રો મટિરિયલ હતું. ફેક્ટરીમાં આગ લાગતાં ધુમાડાથી ફેક્ટરી ભરાઈ ગઈ હતી. ફેક્ટરીમાં લાગતાં દોડધામ મચી હતી.
વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે, ગોડાઉન 60 ફૂટ લાંબું અને 30 ફૂટ ઊંચાઈની દીવાલવાળું હોવાથી કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ હતી. ફાયર ફાયટરોએ જેસીબીથી દીવાલમાં બાકોરા પાડી અંદર પ્રવેશ કરાયો હતો. ફાયર ફાયટરોએ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનાં પતરાં બહાર કાઢી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ ક્યા કારણોસર લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સમાચાર હજુ સુધી નથી. આ આગના બનાવમાં હાલમાં વડોદરા ફાયર વિભાગની 3 સ્ટેશનની ટીમો કામે લાગી હતી. આ આગના બનાવને લઇ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
આ અંગે પાણીગેટ ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આગ લાગતાની સાથે જ પાણીગેટ અને ERC ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી.