અકોટા સ્થિત ઇન્ડસઇન્ડ બેંકની શાખામાં મોડી રાત્રે ભીષણ આગ,લોકર સેફ રહેતા બેંકને રાહત

તપાસ બાદ નુકસાન અંગે તથા આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે

MailVadodara.com - Fierce-fire-at-Akota-based-IndusInd-Bank-branch-late-at-night-relief-to-bank-with-locker-safe

- સ્થાનિકોએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું જણાવી વીજ કંપની સામે નારાજગી દર્શાવી, ખામીયુક્ત ટ્રાન્સફોર્મર અંગે રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી


વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ઇન્ડસઇન્ડ બેંકની શાખામાં ગત મોડીરાત્રે આગ લાગતા બેંકમાં રહેલ તમામ ચીજવસ્તુ સળગીને ખાક થઈ જતા મોટું નુકસાન થવા પામ્યું છે. જોકે લોકર સેફ રહેતા ખાતાધારકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ સ્થાનિકોએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું જણાવી વીજ કંપની સામે નારાજગી દર્શાવી છે.


અકોટા વિસ્તારમાં ગાય સર્કલ પાસે ઇન્ડસઇન્ડ બેન્કની શાખા આવેલ છે. ગત મોડી રાત્રે બે વાગ્યે બેંકમાં આગ ફાટી નીકળતા ઉત્તેજના છવાઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા કોર્પોરેશનનું ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં લેપટોપ, પ્રિન્ટર, કોમ્પ્યુટર, ટીવી, ડોક્યુમેન્ટ, ફર્નિચર, ટેબલ ખુરશીઓ સહિતનો સામાન સળગીને ખાક થઈ જવા પામ્યો છે. જોકે લોકર સેફ રહેતા બેંકને આંશિક રાહત થઈ છે. તપાસ બાદ નુકસાન અંગે તથા આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે. ઘટનાના પગલે આસપાસની સોસાયટીમાં ઉત્તેજના છવાઈ હતી અને તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. 


સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, આ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. અગાઉ આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે અનેક વિજ ઉપકરણો ફૂંકાઈ ગયા છે. તેની પાછળ ખામીયુક્ત ટ્રાન્સફોર્મર જવાબદાર હોવાનું જણાય છે. અગાઉ આ બાબતે વીજ કર્મચારીઓને રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી.

Share :

Leave a Comments