મ.સ.યુનિ.ની સંસ્કૃત મહાવિદ્યાલયમાં કાયમી પ્રાધ્યાપકો અને પૂરતા વિદ્યાર્થીઓ થવા છતાં વેદનો અભ્યાસક્રમ છેલ્લાં ૧૦ વર્ષથી બંધ..!!

વેદના અભ્યાસ માટે દર વર્ષે ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, ગત વર્ષે ૨૩ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા

MailVadodara.com - Even-though-there-are-permanent-professors-and-enough-students-in-Sanskrit-Mahavidyalaya-of-M-S-Uni-the-course-of-Vedas-has-been-closed-for-the-last-10-years

- અન્ય અભ્યાસક્રમોમાં વિષય શિક્ષકો નથી અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ થતી નથી છતાં ચાલુ રખાયા છે!

વિશ્વભરમાં જ્યારે વડાપ્રધાન વેદ અને વેદ સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયે સંસ્કૃતનો અભ્યાસક્રમ સંપૂર્ણ બંધ કરી દીધો છે. આશ્ચર્ય એ વાતનું છે કે અન્ય અભ્યાસક્રમોમાં પ્રાધ્યાપકો નથી અને  વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા થતી નહીં હોવા છતાં અભ્યાસક્રમ ચાલુ રાખવામાં આવ્યા છે, જ્યારે વેદના અભ્યાસક્રમમાં કાયમી પ્રાધ્યાપક પણ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ પૂરતી હોવા છતાં છેલ્લાં ૧૦ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે.


આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો, ગત વર્ષે વેદના અભ્યાસ માટે માસ્ટર ડિગ્રી માટે ૭, બેચલર ડિગ્રી માટે ૧૦ અને ડિપ્લોમા માટે ૬ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. પરંતુ વેદનો અભ્યાસક્રમ બંધ છે તેવું કારણ આપીને આ ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. વેદ માટે દર વર્ષે ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, પરંતુ યુનિવર્સિટીને અને સંસ્કૃત મહાવિદ્યાલયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રામપાલ શુક્લને વેદ અભ્યાસક્રમ પ્રત્યે કોઇ કારણથી અરૂચિ હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે. 

બીજી તરફ અન્ય અભ્યાસક્રમોમાં બેચલર અને માસ્ટ મળીને જ્યોતિષમાં ૨૫, વાસ્તુમાં ૭, કર્મકાંડમાં ફક્ત બે ટેમ્પલ મેનેજમેન્ટમાં ૧૯ અને વ્યાકરણશાસ્ત્રમાં ૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં કુલ મળીને ૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી રેગ્યુલર અભ્યાસ માટે માંડ ૮ થી ૧૦ વિદ્યાર્થી આવે છે. જેની સામે વેદના એક, વ્યાકરણના એક અને જનરલ ૨ મળીને ૪ પરમેનેન્ટ, ૩ ટેમ્પરરી શિક્ષકો છે જ્યારે ૭ નોન ટિચિંગ સ્ટાફ છે. કુલ મળીને ૧૪ જણનો સ્ટાફ છે. હેડ ઓફ ડિપાર્ટમેન્ટની મનમાની એ હદે ચાલે છે કે શિક્ષકોના બદલે નોન ટિચિંગ સ્ટાફ અને સિનિયર વિદ્યાર્થીઓને શિક્ષણની એટલે કે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જવાબદારી સોંપવામાં આવે છે.

સંસ્કૃત મહાવિદ્યાલયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રામપાલ શુક્લની બેદરકારીના અનેક કિસ્સાઓ છે, અગાઉ તેઓએ પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પ્રશ્નપત્ર તૈયાર કર્યુ નહતું અને છેલ્લે પરીક્ષાના દિવસે બ્લેકબોર્ડ પર જ પ્રશ્નપત્ર લખીને પરીક્ષા લીધી હોવાની ગંભીર ફરિયાદ થઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓમાં ચાલતી ચર્ચા મુજબ અહીં વિદ્યાલયમાં વેદનો અભ્યાસક્રમ બંધ કરી દેવાયો છે, જ્યારે તાજેતરમાં મહાવિદ્યાલયના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વાઘોડિયા ખાતે આવેલી એક વેદ પાઠશાળામાં વેદના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હોંશે હોંશે પહોંચી ગયા હતા. આ ઉપરાતં વડોદરામાં યોજાયેલ ચતુર્વેદ મહાસંમેલનમાં પણ વેદના મહત્વ અંગે પ્રવચનો ઠપકાર્યા હતા.

Share :

Leave a Comments