બે દેશના વડાપ્રધાનનાના કાર્યક્રમના કારણે સેંકડો સોસાયટીના લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા જતાં કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

MailVadodara.com - Due-to-the-program-of-the-Prime-Ministers-of-the-two-countries-hundreds-of-people-of-the-society-had-to-face-a-situation-like-house-arrest-for-hours

- અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા


પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાન્ચેઝના આજના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સુધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો. આમ તો અડધા શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો અને તેના કારણે આજે સવારે નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થયા હતા. દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે. આજનો દિવસ પણ અપવાદ નહોતો.

આજે પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના એક કલાકના કાર્યક્રમ માટે  ટાટા એરબસના પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના લોકોને ગઈકાલ રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. આ રુટ પર સોસાયટીઓના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ગેટ નહોતા ત્યાં પોલીસ કર્મીઓને ઉભા કરી દેવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીને રજૂઆત કરવા જતાં કોંગ્રેસ નેતા, પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવત તેમના નિવાસસ્થાનેથી કોંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, દુષ્યંત રાજપુરોહિત, હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર, નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, આઝમખાન પઠાણ, સંતોષ મિશ્રા, ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજી, ઘનશ્યામ પટેલની અટકાયત કરી હતી. જ્યારે અન્ય નેતાઓના મકાનો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરાતાં અમી રાવતે ભયાનક પુરમાં થયેલી તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના નિસ્ફળ વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીને કોંગ્રેસ કાર્યાલય પરથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઇ છે.

વડાપ્રધાન મોદી શરમ કરો, આપ સાદાઇથી કાર્યક્રમ કે ઉદઘાટન નથી કરી શક્તા. નાણાંનો વેડફાટ કેમ? લોકોના ઘરમાં બે-બે વખત પુર અને મોઘવારીથી ઘરમાં ચૂલો સળગાવવાના સાંસા છે. ત્યારે આખા શહેરમાં બિનજરૂરી લાઇટો લગાવો છો. આપે સાંધહાઈ બનાવવાની વાત કરી ભ્રષ્ટાચાર કરી પુરનગરી બનાવી. ખાડોદરા બનાવ્યું. વડાપ્રધાન બન્યા પછી વડોદરા તરફ જોયું પણ નથી. પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.

કરોડોનો વેડફાટ, પીવાનું પાણી મળતું નથી, ત્યાં તમારા સ્વાગતમાં રોડ ધોવામાં આવ્યા છે. વડોદરમાં કીચડ અને પુરના પાણીમાં 3 ફૂટથી એક માળ સુધી ડૂબી ગયા. પીવાના પાણી ન મળવાથી લોકો તરસ્યા, ત્યારે મોદી ક્યાં હતા. આવા પ્રજાના પરસેવાના વેરાના નાણાંનો ક્રિમિનલ વેડફાટ કેમ? આપ આવ્યા અને શહેરમાં કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા અમી રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છો, ત્યારે અમારી સાથે મુલાકાત કરો. વડોદરાનું દર્દ સાંભળો. ઉદઘટનો માટે આવો છો તો પેકેજ તો જાહેર કરો. વડોદરા ભાજપના ભ્રષ્ટ, અણઘડ નેતાઓ અને અધિકારીઓ સાચી વાત કહેતા નથી. આવેદન મુલાકાત માટે સમય ફાળવવા માંગણી કરી હતી.

આ વિસ્તારની એક સોસાયટીના રહીશે કહ્યું હતું કે, ગઈકાલ રાતથી જ ઈમરજન્સી વગર બહાર નીકળવાની અમને ના પાડી દેવામાં આવી હતી.આજે બપોરે બાર વાગ્યા સુધી અમે ઘરોમાં કેદ રહ્યા હતા.ઘણા લોકો નોકરી ધંધે જઈ શક્યા નહોતા.સારુ છે કે, સ્કૂલોમાં વેકેશન હતું. નહીંતર વિદ્યાર્થીઓ અને નાના બાળકોએ પણ પારાવાર પરેશાની ભોગવી હોત.

લોકોનું કહેવું હતું કે, આના કરતા તો રાજા મહારાજાઓ સારા હતા.અત્યારના નેતાઓ તો કરદાતાના પૈસે વીઆઈપી સાહ્યબી ભોગવે છે અને કરદાતાઓને જ હેરાન કરે છે.

Share :

Leave a Comments