- કાઉન્સિલરોએ કહ્યું, સરકારમાં રજૂઆત કરી પૂરગ્રસ્તોને કેશ ડોલ અને સહાય મળે તેમ કરો, અમારી પાસે સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપેક્ષા રાખવી નહીં
- મેયરને પોતાના જ પક્ષના નગર સેવકોના રોષનો સામનો કરવાનો વખત આવ્યો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સ્વચ્છતા અંગેના ટોણા બાદ વડોદરા કોર્પોરેશનના મેયર દ્વારા આજે 23 ઓક્ટોબરે સમગ્ર શહેરમાં મહાસ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત નગર સેવકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પૂર સમયે ફોન ન ઉઠાવવા અને આજ દિન સુધી સર્વે કે સહાય ન મળવાના કારણે કાઉન્સિલરો અને મેયર વચ્ચે ભારે તડાફડી થઈ હતી. કાઉન્સિલરોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને આજે કોર્પોરેશનમા નગર સેવકોની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપાના તમામ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયરે તારીખ 23 ઓક્ટોબરે મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ વોર્ડમાં સફાઇ કરવા માટે નગર સેવકોને અપીલ કરી હતી.
મેયરે કાઉન્સિલરોને વોર્ડમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપીલ કરતાં જ વોર્ડ નંબર-15ના કાઉન્સિલરો આશિષ જોષી, પારુલબેન, પૂનમબેને મેયરને જણાવ્યું કે, પૂર સમયે ફોન કરતા હતા ત્યારે ફોન ઉઠાવ્યા નથી. અને હવે અમારી મદદ માંગો છો? પૂર આવ્યા ને પણ દોઢ માસ થઇ ગયો છે. હજુ સુધી અમારા વિસ્તારોમાં સર્વે થયો નથી અને લોકોને સહાય પણ મળી નથી, કેશ ડોલ ચૂકવાયું નથી. સરકારમાં રજૂઆત કરી પહેલાં પૂરગ્રસ્તોને કેશ ડોલ અને સહાય મળે તેમ કરો. અમારી પાસે તારીખ 23મી ના રોજ મહા સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપેક્ષા રાખવી નહીં. અમારા વોર્ડમાંથી કોઇ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે નહીં., તે સ્પષ્ટ જણાવી દીધું હતું.
વોર્ડ નંબર-15ના કાઉન્સિલરોની રજૂઆત વચ્ચે વોર્ડ નંબર-13ના કાઉન્સિલર ધર્મેશ પટનીએ ઉભા થઈને સર્વે અને સહાય તેમજ સામાન્ય દિવસોમાં વિસ્તારોમાં સ્વચ્છતા થતી ન હોવાનો પ્રશ્ન ઉઠાવતા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ હીરોગીરી ન કરવા માટે જણાવતા મામલો ઉગ્ર બની ગયો હતો. અન્ય કાઉન્સિલરોએ પણ હીરોગીરી શબ્દ વાપરવા અંગે ચેરમેન સામે નારાજગી વ્યક્ત કરી હતી. કાઉન્સિલર ધર્મેશ પટનીએ ચેરમેનને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં સામાન્ય દિવસોમાં સફાઇ થતી નથી અને હજુ સુધી સર્વે પણ થયું નથી. અનેક લોકો સહાયથી વંચિત છે, અમે હીરોગીરી કરવા આવતા નથી. અમે વિસ્તારના લોકોના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે વડોદરા ખાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા શહેરના માર્ગો ઉપર સફાઇ જોઇને અને રોડની કામગીરી જોઇને કોર્પોરેશનને ટોણો મારતા જણાવ્યું હતું કે, સીએમ અને પીએમ આવે છે ત્યારે જ સફાઇ કેમ થાય છે? આવી સફાઇ વડોદરા શહેરમાં રોજ થવી જરૂરી છે. મુખ્યમંત્રીના ટોણા બાદ મેયર આજે સફાળા જાગ્યા હતા અને 23 ઓક્ટોબરના રોજ મહાસ્વચ્છતા અભિયાનના આયોજન અંતર્ગત નગરસેવકો અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક બોલાવી હતી. જોકે, આ બેઠકમાં મેયરને પોતાના જ પક્ષના નગર સેવકોના રોષનો સામનો કરવાનો વખત આવ્યો હતો.
મેયરે નગરસેવકોની બેઠક બાદ કોર્પોરેશના વોર્ડ ઓફિસરો, અધિકારીઓ, પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ અને વેપારી મંડળ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 28 ઓક્ટોબરના રોજ એરબસના લોકાર્પણ પ્રસંગમાં સંભવતઃ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ ઉપર સ્વાગત કાર્યક્રમ માટે તૈયારીઓ કરવા અને તારીખ 23 ઓક્ટોબરના રોજ મહાસ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી.