ગોત્રીથી હરીનગર જવાના રોડ પર 4 સ્થળે લાઈન લીકેજ થતાં પાણીની રેલમછેલ, લોકો પરેશાન

શહેરમાં પીવાના પાણીની લાઇન લીકેજ થવાના બનાવો ઘટવાને બદલે વધ્યાં..!!

MailVadodara.com - Due-to-line-leakage-at-4-places-on-the-road-from-Gotri-to-Harinagar-people-are-disturbed

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રીથી હરીનગર હોસ્પિટલ તરફ જવાના રોડ પર એક સાથે ચાર જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ જોવા મળતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી અને વગર ચોમાસે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. 


શહેરના કોઈને કોઈ વિસ્તારમાં દરરોજ પીવાના પાણીની લાઈન લીકેજના બનાવ જોવા મળે છે. લીકેજના બનાવો ઘટવાને બદલે વધી રહ્યા છે, ત્યારે આજે ગોત્રીથી હરીનગર હોસ્પિટલ તરફ જવાના રોડ પર એક નહીં પણ ચાર લીકેજથી પાણી વિતરણના સમયે રોડ પર રેલમછેલ થતાં વાહન ચાલકોને અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી હતી. અંડરગ્રાઉન્ડ પસાર થતી પાણીની લાઈનમાં મેન્ટેનન્સ દરમિયાન કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે. લીકેજના કારણે ભુવા પણ પડતા રહે છે. હજુ બે દિવસ પહેલા જ અકોટા બ્રિજ દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે પાણીની લાઈનમાં મોટું લીકેજ હોવાથી ટ્રાફિકજામ સહિતના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ પાણી ઓછું મળતા હેરાનગતિ પણ ભોગવી હતી.


ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી લો પ્રેશરથી મળતું હોવાની સમસ્યા છે. જેમાં લીકેજના કારણે સમસ્યા ઔર વધે છે. અધિકારીઓની મિટિંગમાં પણ લીકેજની કામગીરી તાકીદે પૂર્ણ કરી પાણીનો વેડફાટ અટકાવવા સૂચના આપવામાં આવે છે, છતાં લીકેજ રીપેરીંગ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે છે. સ્કાડા સિસ્ટમ અમલી બનાવી હોવા છતાં પણ લીકેજની જાણ તંત્રને થતી નથી તેનું પણ લોકોને અચરજ છે.

Share :

Leave a Comments