ડોર ટુ ડોર ગાડીઓના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને બે મહિનાનો પગાર-બોનસ ન મળતાં વીજળી હડતાલ

પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સફાઇ કર્મીઓ હડતાલ પર ઉતરતા તંત્ર દોડતું થયું

MailVadodara.com - Door-to-door-contract-workers-go-on-electricity-strike-after-not-getting-two-months-salary-bonus

- મૂંગે મોઢે કામ કરનાર કર્મી પૈકી જો કોઈ કોન્ટ્રાક્ટ કર્મી પોતાની તકલીફો અંગે રજૂઆત કરે તો તેને કાઢી મૂકવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા!!


વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન (CDC) ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓના કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો બાકી બે મહિનાનો પગાર અને બોનસ અંગે અગાઉ કરાયેલી રજૂઆત છતાં નહીં મળતા આજે એકાએક વીજળી વેગે હડતાલ પર ઉતરી જતા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ દોડતા થઈ ગયા છે. વડાપ્રધાન આગમનને હવે 50 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે સફાઈનો મોટો પ્રશ્ન સર્જાયો છે. ઉપરાંત દિવાળી-નવા વર્ષના તહેવારોમાં ઠેર-ઠેર કચરાના ઢગલા સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. ડીટુડી કોન્ટ્રાક્ટ સફાઈ કર્મીઓનો પોતાના પ્રશ્નો ન ઊકલે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે શહેરભરમાં ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા અંગે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ અપાયો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચક પગાર પર સફાઈ કર્મીઓને રાખવામાં આવ્યા છે. 250 જેટલા સફાઈકર્મીઓ વાન દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્ર કરી નિયત સ્થળે કચરો ભરેલી વાન ખાલી કરે છે. કોન્ટ્રાક્ટ પરના આવા પ્રત્યેક કર્મચારીઓને રૂપિયા 5000થી 8000 સુધીનો જુદો-જુદો પગાર આપીને ભેદભાવ કરાય છે. સફાઈ કર્મીઓને છેલ્લા બે માસનો પગાર અને બોનસ હજી સુધી આપવામાં આવ્યા નથી. આ અંગે અગાઉ રજૂઆતો પણ કોન્ટ્રાક્ટર સમક્ષ કરવામાં આવી છે. મૂંગે મોઢે કામ કરનાર કર્મી પૈકી જો કોઈ કોન્ટ્રાક્ટ કર્મી પોતાની તકલીફો અંગે રજૂઆત કરે તો તેમને કાઢી મૂકવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પગાર ચૂકવણીમાં પણ અસમાનતા કોન્ટ્રાક્ટર દ્વારા દાખલ કરવામાં આવતા હોવાના આક્ષેપો સહિત તાજેતરમાં સરકારે કર્મચારીઓના પગાર બાબતે વધારો કરવા છતાં સફાઈ કર્મીઓના પગારમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ કરાયેલી રજૂઆત છતાં પણ અમારા પ્રશ્નોનું સમાધાન નહીં થતા આજે સવારથી કોન્ટ્રાક્ટ કર્મીઓ  વીજળીક હડતાલ પાડી દીધી છે. 


હવે જ્યારે શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન શહેરના આગામી બે દિવસમાં મહેમાન બનવાના છે ત્યારે પાલિકા દ્વારા શહેરભરમાં રંગ રોગાન સહિત રોડ રસ્તાની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સફાઈ કર્મીઓની વીજળી હડતાલથી હવે પાલિકા તંત્રને વધુ એક જવાબદારી આવી પડી છે. પરિણામે સફાઈ કર્મીઓની હડતાલનું તાત્કાલિક ધોરણે નિવારણ કરાય એ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા થઈ ગયા છે.આ  દરમિયાન હવે દિવાળી અને નવા વર્ષના તહેવારો પણ નજીકમાં છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘરે ઘરેથી કચરો સફાઈ કર્મીઓ દ્વારા નહીં ઉપાડતા સફાઈ અંગે અનેક પ્રશ્નો સર્જાય તો નવાઈ નહીં. 

Share :

Leave a Comments