- યુવતીના પિતા ખરકપાલ શર્મા અને પરિવારજનોનો `દીકરીનું ડૂબવાથી નહીં પરંતુ તેની હત્યા કરી લાશ ફેંકી દીધી' હોવાનો આક્ષેપ
- ઇન્ચાર્જ CP દ્વારા ઉદ્ઘતાઇભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે આમના કાર્યકરોએ પોલીસ ભુવનમાં ઇન્ચાર્જ હાય... હાયના નારા લગાવ્યા
- પોલીસ ભવન ખાતે ધરણાં પર બેઠેલા મૃતક યુવતીના પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ!
પાંચ માસ પહેલાં કેનાલમાં ડૂબી જવાથી મોતને ભેટેલી આમલીયારા ગામની યુવતીના પરિવારનું મન હજુ માનવા તૈયાર નથી. દીકરીના રહસ્યમય મોત અંગે પુન: તપાસ કરવાની માંગ પરિવાર કરી રહ્યું છે. ત્યારે યુવતીના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો CPને રજૂઆત કરવા માટે ગયા હતા. ઇન્ચાર્જ CP દ્વારા ઉદ્ઘતાઇભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ ભુવનમાં ઇન્ચાર્જ CP હાય... હાયના નારા લગ્યાવ્યા હતા. પોલીસ ભવન ખાતે ધરણાં પર બેઠેલા મૃતક યુવતીના પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલીયા ગામની 19 વર્ષિય પ્રેરણા ખરકપાલ શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી. તા. 20 માર્ચ-2023ના રોજ તે નોકરી ગઇ હતી. તે દિવસે તે મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. આથી પરિવારજનોએ તા.21 માર્ચ-2023ના રોજ બાપોદ પોલીસ મથકમાં ગૂમ થયાની જાણ કરતી અરજી આપી હતી. દરમિયાન તા. 23 માર્ચ-2023ના રોજ તેની લાશ વડોદરા નજીક છાણી કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે પ્રેરણાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
જોકે, યુવતીના પિતા ખરકપાલ શર્મા અને પરિવારજનો " પ્રેરણાનું ડૂબવાથી મોત થયું નથી, તેની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી છે" તેવા આક્ષેપ સાથે સમગ્ર ઘટનાની પુન તપાસ કરવા માંગ કરી રહ્યું છે. અને પરિવાર મોતને ભેટેલી દીકરીને ન્યાય અપાવવા માટ રઝળપાટ કરી રહ્યા છે. નોંધનિય છે કે, તા. 20 માર્ચ-2023ના રોજ પ્રેરણાને નિમેટા ખાતે રહેતો અભય કમલભાઇ પલાસ વાઘોડિયા તાલુકાના મુરલીપુરા ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસે લઇ ગયો હતો. અને તેના ત્રીજા દિવસે પ્રેરણાની છાણી કેનાલમાંથી પ્રેરણાની લાશ મળી હતી. આજે પાંચ મહિના થવા છતાં દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવતા પરિવારજનોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે.
આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ માસ પૂર્વે રહસ્યમય મોતેને ભેટેલી દીકરીના ન્યાય માટે આમલીયારા ગામનું શર્મા પરિવાર ફરી રહ્યું છે. આજે પરિવારને સાથે રાખી ઇન્ચાર્જ CPને રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ, ઇન્ચાર્જ CP દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું છે. આ પોલીસ અધિકારી ઉચ્ચ હોદ્દાને અને વડોદરાને લાયક નથી. અમારી માંગ પિડીત પરિવારને ન્યાય અપાવવાની છે.
આમ આદમી પાર્ટીના અગ્રણી જાહ્નવીબા ગોહિલે ભારે રોષ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાંચ માસ પહેલાં રહસ્યમય મોતને ભેટેલી દીકરીના ન્યાય માટે પરિવાર સાથે અમો CPને રજૂઆત કરવા માટે ગયા હતા. દીકરીના પિતા રજૂઆત કરી રહ્યા હતા. ત્યારે ઇન્ચાર્જ CP દ્વારા તેમની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. અપશબ્દો બોલી તેમને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમારી માંગ આવા પોલીસ અધિકારીને પહેલાં તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. પોલીસ ભુવન આમ આદમી પાર્ટી દ્વારા નિનામા હાય..હાય..ના નારા લગાવ્યા હતા.
આ સમગ્ર મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, પાંચ માસ પહેલાં છાણી કેનાલમાંથી પ્રેરણા શર્મા નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મરનારનું પેનલ ડોક્ટર દ્વારા પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પિડીત પરિવાર પાસે જરૂરી વિગતો માંગવામાં આવી હતી. પરંતુ, પિડીત પરિવારને પોલીસ અમારી પાસે કેમ વિગત માંગે છે, તેવું તેમને લાગ્યું હતું. પરંતુ, પોલીસને તપાસ કરવા વિગતો મેળવવી જરૂરી હોય છે. તેમની સાથે આવેલા રાજકીય પક્ષના કાર્યકરોએ આવી વિવિધ પોલીસ મથકો ઉપર આક્ષેપ મૂક્યા હતા. ત્યારે રાજકીય પાર્ટીના કાર્યકરોને આ ઘટના બાબતે તમારે કંઇ બોલવાનું રહેતું નથી. તેમ જણાવતા તેઓને મનદુખ થયું હશે. આથી તેઓ પોલીસ ઉપર ખોટા આક્ષેપ મૂકી રહ્યા છે. વડોદરા પોલીસમાં અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી ન હોય તેવું ક્યારેય બન્યું નથી.