- સ્થાનિક લોકોએ વિસ્તારમાં ફરીને કાંસમાંથી પસાર થતી પાણીની લાઇનમાં પડેલું ભંગાણ શોધી વોર્ડ 12ની કચેરીને જાણ કરતા એન્જિનિયર ફોટા પાડીને જતા રહ્યા
- પાણીની લાઈનમાં ભંગાણ હોવાની જાણ કર્યાને બે સપ્તાહ જેટલો સમય વિતી ગયો
શહેરના અકોટા પોલીસ લાઇન વિસ્તારના લોકો છેલ્લા બે માસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા અકોટા પોલીસ લાઈન પાસેના વરસાદી કાંસમાંથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આજે સ્થાનિક લોકોએ નિંદ્રાધિન તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, નિંદ્રાધિન તંત્રના કારણે છેલ્લા બે માસ દરમિયાન લાખો લિટર પાણી કાંસમાં વહી ગયું છે.
ઉનાળાની શરૂઆત સાથે સમગ્ર શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. એક પછી એક વિસ્તારોમાં પાણીની લાઇનોમાં ભંગાણ પડી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં આજવાથી વડોદરા આવતી પાણીની લાઇન, ફતેગંજ બ્રિજ નીચેની પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે સંબંધિત વિસ્તારોના લોકોને બે-ત્રણ દિવસ પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો હતો. આ લાઈનોનું માંડ રીપેરીંગ પૂરું થયું હતું. ત્યાં મોડી સાંજે સયાજીગંજ કાલાઘોડા પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે.
જોકે, નોંધનીય બાબત એ છે કે, અકોટા પોલીસ લાઇન પાસે વરસાદી કાંસમાંથી પસાર થતી મુખ્ય પાણીની લાઇનમાં બે માસથી ભંગાણ પડ્યું હોવા છતાં, કોર્પોરેશનની વોર્ડ નંબર 12ની કચેરી દ્વારા રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લાખો લિટર પાણી કાંસમાં વહી ગયું છે અને હજુ પણ આ પાણી કાંસમાં વહી રહ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અકોટા પોલીસ લાઈન વિસ્તારના લોકો છેલ્લા બે-અઢી માસથી પાણી માટે વલખાં મારી રહ્યા છે. અનેક વખત વોર્ડ નંબર 12ના અધિકારીઓને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વોર્ડ નંબર 12ના અધિકારીઓ દ્વારા પાણીનો પ્રશ્ન કેમ છે? તે અંગે કોઇ તપાસ કરવામાં આવી ન હતી. આખરે સ્થાનિક લોકોએ વિસ્તારમાં ફરીને કાંસમાંથી પસાર થતી પાણીની લાઇનમાં પડેલું ભંગાણ શોધીને વોર્ડ નંબર 12ની કચેરીને જાણ કરવામાં આવી હતી.
પાણીની લાઈનમાં ભંગાણ હોવાની જાણ કર્યાને પણ બે સપ્તાહ જેટલો સમય વિતી ગયો છે. વોર્ડ નંબર 12ના એન્જિનિયર માત્ર ફોટા પાડીને જતા રહ્યા છે, પરંતુ પાણીની લાઇનમાં પડેલું ભંગાણ દૂર કરવામાં આવ્યું નથી. પરિણામે આજે પણ વિસ્તારના લોકોને પાણી માટે વલખાં મારવાનો વખત આવ્યો છે. જો વહેલીતકે પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહિં આવે તો ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી ઉચ્ચારી છે.